ખેડા જિલ્લાના ટુંડી ખાતે આવેલી છે વિશ્વની સૌ પ્રથમ સૌર ઉર્જા ઉત્પાદક સહકારી મંડળી, ૨.૦૯ લાખ યુનિટ સૌર ઉર્જાનું ઉત્પાદન
સોમવાર, 22 જુલાઈ 2019 (11:19 IST)
ખેડા જિલ્લાના ટુંડી ખાતે આવેલી છે વિશ્વની સૌ પ્રથમ સૌર ઉર્જા ઉત્પાદક સહકારી મંડળી, ૨.૦૯ લાખ યુનિટ સૌર ઉર્જાનું ઉત્પાદન
સૌર ઉર્જાક્ષેત્રે રાષ્ટ્રને પુરી પાડે છે પ્રેરણા, કરે છે ૨.૦૯ લાખ યુનિટ સૌર ઉર્જાનું ઉત્પાદન
ખેડા: ગુજરાતે દૂધ મંડળીઓ, ખેડૂત સેવા સહકારી મંડળીઓ, હાઉસીંગ ધિરાણ મંડળીઓ, વન પેદાશ મંડળીઓ, ઉપરાંત આવી તો અનેક બહુહેતુક સહકારી મંડળીઓ દ્વારા સહકારી ક્ષેત્રે નામના મેળવી છે. પરંતુ ખેડા જિલ્લાના ઠાસરાથી માત્ર બે કિલો મીટરના અંતરે આવેલા ઢુંડી ગામે માત્ર ગુજરાત કે સમગ્ર રાષ્ટ્રમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સૌ પ્રથમવાર સૌર ઊર્જા ઉત્પાદક સહકારી મંડળી લિ. કાર્યરત કરી ચરોતરમાં ડેરી ઉદ્યોગ ક્ષેત્રે વિશ્વ પ્રસિધ્ધ અમૂલ મોડલ બાદ સોલાર એનર્જી ઉત્પાદનમાં માત્ર ૧૫૦૦ની વસ્તી ધરાવતા ઢુંડી ગામે સમગ્ર રાષ્ટ્રને નવી દિશા ચીધી છે.
ઢુંડી ગામના ૯ ખેડૂતોએ ટેકનોલોજીનો વિનિયોગ કરી સૂર્ય શક્તિને ધરતી પર ઉતારી પોતાની ખેતી ઉપરાંત વધારાની વિજળી એમ.જી.વી.સી.એલ ને વેચીને દરેક ખેડૂતે રૂા. ૧.૫૦ લાખની વધારાની આવક મેળવી છે. મંડળીના મંત્રી પ્રવિણભાઇએ જણાવ્યું કે અત્યાર સુધીમાં ૯ ખેડૂતો દ્વારા ૨,૦૮,૯૧૩ યુનિટ વીજળી મધ્ય ગુજરાત વીજ કંપનીને ગ્રીડ મારફત વેચાણ કરવામાં આવી છે. જેની મંડળીને કુલ રૂા. ૧૨ લાખની વધારાની આવક મળી છે.
સૌર ઊર્જા ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી પ્રવિણભાઇ પરમારનો દાવો છે કે સમગ્ર વિશ્વમાં સોલાર ઊર્જા પેદા કરતી ખેડૂતોની સહકારી મંડળી સ્થાપવાની નવતર પહેલ ઢુંડી ગામે ફેબ્રુઆરી – ૨૦૧૬ માં કરી હતી. સૌર ઊર્જા ઉત્પાદક સહકારી મંડળીમાં ૧૬ જેટલા ખેડૂત સભાસદ છે જે પૈકી ૯ ખેડૂતોને કોલંબો બેઝ ઇન્ટરનેશનલ વોટર મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ - ટાટા વોટર પોલીસી પોગ્રામ(આણંદ) દ્વારા નેશનલ સોલાર પાવર મિશન હેઠળ ૯૫% સહાયથી સોલાર સિસ્ટમ પૂરી પાડવામાં આવી છે.મંડળીમાં ત્રણ ખેડૂતો એક વર્ષ બાદ જોડાયા હતા.
ઢુંડી ગામમાં ૧૦.૮ કિલોવોટના ૩ અને ૮ કિલોવોટના ૩, પાંચ કિલોવેાટના ૩ સહિત કુલ ૭૧.૪ કિલોવોટના ૯ પ્લાન્ટ કાર્યરત છે. જેમાં રોજના ૩૫૦ યુનિટ સોર ઉર્જાનું ઉત્પાદન થાય છે. ખેડૂતો આ સૌર ઉર્જાનો સિંચાઇ માટે જરૂરિયાત મુજબ ઉપયોગ કરે છે. ત્યારબાદ જે વિજળી સરપ્લસ રહે છે. તેને ગ્રીડ મારફત મધ્ય ગુજરાત વીજ કંપની લિ. ને રૂ.૪.૬૩ ના દરે વેચાણ કરવામાં આવે છે. આ માટે મંડળીએ એમજીવીસીએલ સાથે ૨૫ વર્ષનો પરચેઝ પાવર એગ્રીમેન્ટ(પીપીએ) કર્યો છે તેમ પરમારે જણાવ્યું હતું.
પ્રવિણભાઇએ ઉમેર્યુ હતું કે અગાઉ ખેડૂતો સિંચાઇ માટે ડીઝલ પંપ સેટનો ઉપયોગ કરતા હતાં અને રોજના રૂ.૫૦૦ થી ૭૦૦ લેખે એક ખેડૂતને મહિને અંદાજે રૂ.૨૦ હજારનો ખર્ચ થતો હતો એટલુ જ નહિ ડીઝલ લેવા જવા માટે સમય અને નાણાનો વ્યય થતો હતો જેની બચત થઇ છે. વધુમાં ડીઝલ એન્જિનથી પર્યાવરણને પણ નુકશાન થતું હતું જેથી વાતાવરણમાં પ્રદુષણની માત્રા વધતી હતી પરંતું સોલાર પંપથી સિંચાઇ થતાં ગ્રીન અને ક્લીન એનર્જી મળવાની સાથે પ્રદૂષણ થતું અટક્યું છે. ખેડૂતોને શરૂઆતના બે વર્ષમાં યુનિટ દીઠ રૂ. ૧.૨૫ ગ્રીન એનર્જી બોનસ તથા રૂ. ૧.૨૫ વોટર કન્ઝરવેશન બોનસ પણ ચુકવવામાં આવ્યું છે.
સોલાર પંપ સેટથી સિંચાઇના ફાયદા જણાવતા પ્રવિણભાઇ કહે છે કે ખેડૂતો અનૂકુળ સમયે સોલાર પંપથી પોતાના ખેતરમાં સિંચાઇનું પાણી આપી શકે છે, એટલું જ નહિ ખેતરમાં પાણી આપવા માટે રાત્રીના ઉજાગરા કરવા પડતા નથી. સોલાર પંપના ઉપયોગથી ખેડૂતોને દર માસે ડિઝલનો અંદાજિત રૂ. ૨૦ હજારનો ખર્ચ બચવા સાથે વધારાની વિજળીના વેચાણથી ખેડૂતોને દર માસે અંદાજે રૂ. ૫૦૦૦ સુધીની પૂરક આવક મેળવે છે. વીજળી વેચાણથી થનાર આવક મંડળીના સભાસદોને સહકારી ધારા ધોરણ મુજબ ચુકવવામાં આવે છે.
પ્રવિણભાઇએ જણાવ્યું કે ઢુંડી સહકારી મંડળીની દેશ-વિદેશના પ્રતિનિધિ મંડળો સહિત રાજ્યના ઉર્જા મંત્રીસૌરભ પટેલ તેમજ કેન્દ્રીય ઉર્જા સચિવે મુલાકાત લીધી છે. વડાપ્રધાનનરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર દેશમાં ખેડૂતોની આવક વર્ષ ૨૦૨૨ સુધીમાં બમણી કરવાનો નિર્ધાર કર્યો છે.
બિન પરંપરાગત ક્ષેત્રે ઉર્જા વપરાશ વધારવા અને ખેડૂતોને દિવસ દરમ્યાન વિજળી મળે તે માટે સૌર ઉર્જાના ઢુંડીના અનુકરણીય મોડલ બાદ કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં કુસુમ (કિસાન ઉર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહા અભિયાન) અને રાજ્ય સરકારે પર્યાવરણને અનુરૂપ ખેડૂતલક્ષી એવી સૂર્યશક્તિ કિસાન યોજના (એસકેવાય) અમલી બનાવી છે. આ યોજના દ્વારા ખેડૂતો સૌર ઉર્જા ઉત્પાદિત કરી જે વીજળી બચે તે વીજળી ગ્રીડને વેચીને વધારાની આવક ઉભા કરી શકે છે. રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષે જુદા જુદા જિલ્લાઓના ૧૩૭ ફીડરોનો સમાવેશ કરી અંદાજીત રૂા. ૯૦૦ કરોડના ખર્ચે પ્રથમ તબક્કા માટે પાયલોટ પ્રોજેક્ટ તરીકે સૂર્યશક્તિ કિસાન યોજના અમલમાં મૂકી હતી. ચાલુ વર્ષે તેમાં વધારો કરી ૧૦૦૦ ફીડરોને સમાવી વધુ રૂા. ૩૬૦૦ કરોડનું પ્રાવધાન કરવામાં આવ્યું છે.
ઇન્ટરનેશનલ વોટર મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ ટાટા વોટર પોલીસી પોગ્રામ આણંદના સલાહકાર રાહુલ રાઠોડે સમગ્ર વિશ્વમાં પ્રથમવાર ઢુંડી ગામમાં ખેડૂતો દ્વારા સૌર ઊર્જા ઉત્પાદક સહકારી મંડળી આઇડબલ્યુએમઆઇના પાઇલોટ પ્રોજેક્ટ હેઠળ કાર્યરત કરવામાં આવી છે. જેનો તબક્કાવાર વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. રાઠોડએ ઉમેર્યું હતું કે કેન્દ્ર સરકાર દર વર્ષે ખેડૂતોને કૃષિ માટે વિજળી આપવા હજારો કરોડની સબસીડીનો ખર્ચ કરે છે.
દેશના મહત્તમ ખેડૂતો સિંચાઇ માટે સોલાર એનર્જીઓ ઉપયોગ કરે તો સરકારને સબસીડીનું ભારણ ઓછું થવા સાથે ખેડૂતોની આવકમાં વધારો થશે અને જરૂરિયાત મુજબ સિંચાઇના પાણીનો ઉપયોગ થતા ભૂગર્ભ જળ સપાટી પણ ઉચી લાવી શકાશે. વધુમાં સરપ્લસ સૌર ઉર્જાના વેચાણથી ખેડૂતોને પૂરક આવક ઉભી થાય છે. સ્કાય પ્રોજેક્ટના અસરકારક અમલીકરણ માટે રાજ્યના ખેડૂતો ઢુંડી ગામની મુલાકાત લઇ સરપ્લસ વીજળી કેવી રીતે ગ્રીડમાં પહોંચાડવામાં આવે છે તેની જાણકારી મેળવે છે. સ્કાય યોજના હેઠળ રાજ્યમાં અત્યાર સુધીમાં રાજ્યમાંથી ૩૦૦૦ જેટલા ખેડૂતો જોડાયા છે.
ઢુંડી ગામમાં સોલાર ઊર્જા સાથે ખેડૂતો ડ્રીપ ઇરીગેશન તરફ વળે તેમજ નવીન અને સુધારેલ જાતોના બિયારણ તથા રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો સપ્રમાણ ઉપયોગ કરે છે. જેને પરિણામે ખેતી ખર્ચ ઘટતાં ખેડૂતો આર્થિક રીતે સમૃધ્ધ બન્યા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર આગામી વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી થાય તે દિશામાં સનિષ્ઠ પ્રયાસો કરી રહી છે એટલું જ નહિ પ્રગતિશીલ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના સક્ષમ નેતૃત્વમાં રાજય સરકારે સોલાર એનર્જીને પ્રોત્સાહન આપવા સોલાર એનર્જી પોલિસી અમલમાં મુકી છે, ત્યારે નાનકડા ઢુંડી ગામે નૂતન કેડી કંડારી સૌર ઉર્જા ઉત્પાદક સહકારી મંડળી કાર્યરત કરી ગુજરાત સહિત સમગ્ર રાષ્ટ્રને નવી પ્રેરણા પુરી પાડી છે.