મોરબીનો ઐતિહાસિક ઝૂલતો પુલ આજથી બંધ, સહેલાણીઓ માટે બની ગયો હતો જોખમી

સોમવાર, 27 જાન્યુઆરી 2020 (14:59 IST)
મોરબીનો ઝુલતા પુલ છેલ્લા ઘણા સમયથી જર્જરીત હતો અને જે ટ્રસ્ટ દ્વારા તેની જવાબદારી સંભાળવામાં આવતી હતી તેને પાલિકાને પુલની જવાબદારી પાછી સોંપવા માટે અનેક વખત પત્રો લખ્યા હતા. જો કે, તંત્રએ તેને ગંભીરતાથી નહી લેતા આજથી ટ્રસ્ટ દ્વારા મોરબી શહેરની આન, બાન અને શાન સમાન કહી શકાય તે ઝુલતા પુલને કાયમ માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
 
હેરીટેજમાં લેવા સમાન હોવા છતાં પણ તંત્ર દ્વારા મોરબીના ઝૂલતા પુલની ઘોર ઉપેક્ષા કરવામાં આવી રહી છે. એટલે જ તો આ પુલની પરિસ્થિતિ દયનીય થઇ ગઈ  હતી તો પણ તેનું રીનોવેશન કરવામાં આવ્યુ નથી. છેલ્લા ઘણા વર્ષોથી ઓરેવા ટ્રસ્ટ પાસે પુલની જવાબદારી હતી પણ તે જવાબદારીમાંથી મુક્ત થવા માટે ટ્રસ્ટે પાલિકાથી લઇને કલેકટર સુધી અનેક વખત લેખીતમાં જાણ કરી તો પણ કોઇ  નિર્ણય લેવામાં આવ્યો નથી. જેથી ટ્રસ્ટે આજથી ઝુલતો પુલ બંધ કરી દિધો છે.
 
મોરબી અને બહારથી પરિવાર સાથે ઝુલતા પુલ જોવા માટે તેમજ હરવા ફરવા માટે આવતા લોકોના પરિવારજનો માટે આ પુલ જોખમી કે જીવલેણ સાબિત થાય તેમ હોવાથી આજથી ટ્રસ્ટ દ્વારા સહેલાણીઓ સાથે કોઇ અકસ્માત થાય તો પહેલા પુલને બંધ કરી દેવાયો છે. ઉલ્લેખનીય છે કે, વર્ષો પહેલા મોરબીના ઓરેવા ટ્રસ્ટને મોરબીના ઝુલતા પુલની સંપૂર્ણ જવાબદારી તેના નિભાવ સાથે સોપી દેવામાં આવી હતી. જો કે તે સમય મર્યાદા પૂરી થઇ ગયેલ હોવાથી છેલ્લા એક વર્ષમાં તંત્ર દ્વારા જવાબદારી માટેનો કોઇ નિર્ણય લેવાયો નથી.
 
મોરબીના ઓરેવા ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં પાલિકામાં ઝુલતા પુલની જવાદારી સંભાળવા માટે અનેક વખત લેખિતમાં કહેવામાં આવ્યું  છે પરંતુ પાલિકા જવાબદારી સંભાળતી નથી અને કોઇપણ જવાબ પણ પાલિકામાંથી આપવામાં આવ્યો નથી. દરમ્યાન હાલમાં ઝુલતા પુલના પતારમાં ઘણી જગ્યાએ ડેમેજ થયું હોવાથી આ પુલ સહેલાણીઓ માટે ગમે ત્યારે જોખમી કે જીવલેણ સાબિત થાય તેવો બની ગયો હતો માટે કોઈ અકસ્માતનો બનાવ બને નહી તે માટે ટ્રસ્ટે ઝુલતા પુલને કાયમી ધોરણે બંધ કરી દિધો છે જે તંત્રની સૌથી મોટી નિષ્ફળતા છે.
 
છેલ્લા એક વર્ષમાં ઓરેવા ટ્રસ્ટ દ્વારા પાલિકામાં ૨૫ થી વધુ વખત લેખિતમાં રજૂઆત કરીને ઝુલતા પુલની જવાદારી સંભાળવા માટે કહેવામાં આવ્યું છે પરંતુ અફસોસ કે એક વર્ષમાં આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જેથી કરીને હાલમાં ઓરેવા ટ્રસ્ટ દ્વારા જીલ્લા કલેકટરને જાણ કરીને ઝૂલતો પુલ બંધ કરી દેવામાં આવ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર