દાહોદને આધુનિક શહેરો જેવી સુવિધા આપશે આ પ્રોજેક્ટ, સ્માર્ટ રોડથી માંડીને ઘણુ બધું

રવિવાર, 8 ઑગસ્ટ 2021 (10:54 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી યોજના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ સમાવિષ્ટ એક સો શહેરોમાં રાજ્યના આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદનો પણ સમાવેશ કરવામાં આવ્યો  છે. સમગ્ર દેશમાં દાહોદ જ એવું છે કે જ્યાં નગરપાલિકા હોવા છતાં તેનો સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આદિવાસીવાસી વિસ્તારમાં રહેતા લોકોને ગુણવત્તાયુક્ત જીવન મળી રહે એ માટે દાહોદમાં સ્માર્ટ સિટી યોજના હેઠળ વિવિધ જનસુખાકારીના કામો કરવામાં આવી રહ્યો છે. આ માટે સરકાર દ્વારા દાહોદ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ કંપનીની રચના કરવામાં આવી છે. તેના ચેરમેન અને કલેક્ટર વિજય ખરાડીએ આદિવાસી વિસ્તાર એવા દાહોદમાં થઇ રહેલા સ્માર્ટ સિટીના વિવિધ કામોની સમીક્ષા આપી છે. દાહોદ નગરમાં હાલના સમયે સ્માર્ટ સિટી હેઠળ રૂ. ૫૫૯ કરોડના વિવિધ વિકાસ કામો ચાલી રહ્યા છે. દાહોદ સ્માર્ટ સિટી બનતા આદિવાસી વિસ્તારના લોકોને પણ આધુનિક શહેરોમાં મળતી સુવિધા અહી મળતી થઇ જશે. 
 
વોટર સપ્લાય
દાહોદમાં હયાત પાણી વિતરણ વ્યવસ્થાનું નવીકરણ કરવા માટે રૂ. ૯૯.૩૩ કરોડનો પ્રોજેક્ટ હાથ ઉપર લેવામાં આવ્યો છે. નગરપાલિકા વિસ્તારની હયાત પાણીની લાઇન બદલીને નવી નાખવામાં આવી રહી છે. નવી પાઇપ લાઇન નાખવાથી વારંવાર થતાં લીકેજ નિવારી શકાશે અને પાણીનો બચાવ કરી શકાશે. આ ઉપરાંત પાણીના જોડાણ સાથે મિટર પણ મૂકવામાં આવશે. જેથી પાણીનો બિનજરૂરી બગાડ અટકાવી શકાશે. નગરમાં અત્યારે ૬ સ્થળેથી પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેને પણ નવા બનાવવામાં આવી રહ્યા છે. વોટર સપ્લાય પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં રૂ. ૨૩.૪ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. ૬૬ ટકા કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. આ પ્રોજેક્ટ થકી નગરજનોને શુદ્ધ પીવાનું પાણી મળતું થશે. 
 
ભૂગર્ભ ગટર
દાહોદ નગરમાં અત્યાર ગંદા પાણીના નિકાલ માટેની ગટરો ખુલ્લી છે. તેના કારણે ગંદકી ફેલાવાની સાથે મચ્છરોનો પણ ત્રાસ રહે છે. તે સમસ્યાને ધ્યાને રાખીને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત ભૂગર્ભ ગટર નાખવામાં આવી રહી છે. કુલ રૂ. ૩૪.૬૩ કરોડના આ પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં ૬૭.૨૦ ટકા કામગીરી થઇ ગઇ છે. બે વર્ષમાં કામગીરી પૂર્ણ કરી દેવાનું આયોજન છે. યોજના શરૂ થઇ ગયા બાદ પાંચ વર્ષ સુધી એજન્સી દ્વારા તેનો નિભાવ કરવામાં આવશે. શહેરના નવા વિસ્તારોને પણ આવરી લેવામાં આવ્યા છે. નગરના ગંદા અને દૂષિત પાણીના નિકાલ માટે ૫૫ કિલોમિટર લાંબી પાઇપ લાઇન નાખવામાં આવશે. ત્રણ પમ્પિંગ સ્ટેશન મારફત ગંદા પાણીને સિવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે લઇ જવામાં આવશે. ત્યાં તેનું શુદ્ધીકરણ કરી નિકાલ કરવામાં આવશે. ભૂગર્ભ ગટર થતાં નગરના ગંદા પાણીનો ઐતિહાસિક છાબ તળાવ અને પૌરાણિક દૂધીમતીમા થતો નિકાલ અટકશે. 
 
આઇ.સી.સી.સી.-આઇ.ટી. પ્રોજેક્ટ
દાહોદ સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ પ્રોજેક્ટ ઉપરાંત ઇન્ફર્મેશન ટેક્નોલોજી પ્રોજેક્ટ મહત્વનો છે. આ પ્રોજેક્ટની કુલ કિંમત રૂ. ૧૨૮ કરોડ છે અને તેની ૯૨ ટકા કામગીરી પૂરી થઇ ગઇ છે. જેમાં સિટી સર્વેલન્સ, સ્માર્ટ ટ્રાફિક સિગ્નલ, સ્માર્ટ પોલ, ઇએમઆર, ટેલીમેડિસન સહિતની બાબતોનો સમાવેશ થાય છે. જિલ્લા સેવા સદન પરિસરમાં જ એક ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું ગ્રિન બિલ્ડિંગ રૂ. ૨૩ લાખના ખર્ચથી બનાવવામાં આવી રહ્યું છે. નગરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા પર અહીંથી નજર રાખવામાં આવશે.  જેથી લોકોની સુરક્ષામાં વધારો થશે. સફાઇ કામગીરી ઉપર પણ નિરીક્ષણ રાખવામાં આવશે. ટ્રાફિક પ્રોજેક્ટ અંતર્ગત નગરમાં રૂ. ૬ કરોડના ખર્ચથી સાઇનેઝ પણ લગાવવામાં આવ્યા છે. 
 
સ્ટોર્મ વોટર પ્રોજેક્ટ
મુખ્યમંત્રી વિજય રૂપાણીની વરસાદી પાણીના સંપૂર્ણ ઉપયોગની સંકલ્પનાને વાસ્તવિક સ્વરૂપ આપતા સ્ટોર્મ વોટર પ્રોજેક્ટ વરસાદી પાણીના નિકાલ માટે નગરમાં રૂ. ૧૨૧ કરોડના ખર્ચથી ૧૪૯ કિલોમિટર લાંબી લાઇન પાથરવામાં આવી રહી છે. આ કામ ૬૨ ટકા પૂર્ણ થઇ ગયું છે. ભૂગર્ભ ગટર લાઇન મારફત દાહોદ નગરના વરસાદી પાણીને છાબ તળાવ, દૂધીમતી નદી, ડેલસર તળાવમાં નાખવામાં આવશે. જેથી પાણીનો સંગ્રહ થઇ શકશે અને જમીનમાં જળસ્તર ઉંચા આવશે. વિશેષ વાત તો એ છે કે શહેરના નીચાળવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યામાંથી છૂટકારો મળશે અને ભારે વરસાદમાં પૂર જેવી સ્થિતિ ટાળી શકાશે. આ ઉપરાંત, શહેરની વિવિધ સરકારી કચેરીઓમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગનો પ્રોજેક્ટ પણ હાથ ઉપર લેવામાં આવ્યો છે. રૂ. નવેક કરોડના ખર્ચથી વરસાદી પાણીના સંગ્રહ માટે ટાંકીઓ બનાવવામાં આવી છે. 
 
સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ
સમગ્ર દાહોદ નગરના ઘન કચરાના નિકાલ માટે સોલીડ વેસ્ટ મેન્ટમેન્ટ પ્રોજેક્ટ હાથ ઉપર લેવામાં આવ્યો છે. નગરપાલિકા વિસ્તારોમાંથી તમામ પ્રકારના કચરાને એકત્ર કરી તેને શહેર બહાર લઇ જવામાં આવશે. નગર બહાર બનાવવામાં આવેલી ડમ્પિંગ સાઇટ ઉપર તેને સેગ્રીગેટ કરી તેને આધુનિક રીતે પ્રોસેસ કરીને નિકાલ કરવામાં આવશે. આ પ્રોજેક્ટથી ઘરોમાંથી નીળકતા કચરાનું આધુનિક રીતે મોનિટરિંગ કરવામાં આવશે. મિકેનિકલ સ્વીપિંગ મશિન દ્વારા રાજમાર્ગોની સફાઇ કરવામાં આવશે. ઘન કચરાના કલેક્શન અને ટ્રાન્સપોર્ટ રૂ. ૧૯.૪૬ કરોડ, પુંસરી ખાતે ઘન કચરાના પ્રોસેસિંગ અને સાઇટ ડેવલપમેન્ટ માટે રૂ. ૩.૯૧ કરોડ, તેના માટે જરૂરી વાહનોની ખરીદી માટે રૂ. ૧.૨૪ કરોડ, ડસ્ટબિન માટે રૂ. ૪૫ લાખની જોગવાઇ કરવામાં આવી છે.
 
ઐતિહાસિક છાબ તળાવનું નવીનીકરણ
ગુજરાતના મહાન રાજવી સિદ્ધરાજ જયસિંહએ વિક્રમ સંવંત ૧૦૯૩માં માળવા ઉપર આક્રમણ કર્યું ત્યારે દાહોદમાં પડાવ નાખ્યો હતો. તેની પ્રચંડ સેનાએ માત્ર એક જ રાતમાં છાબ તળાવ ખોદ્યું હતું. એક સૈનિકે એક ટોકરી માટી કાઢી ને આ તળાવ બન્યું હતું. છાબ તળાવ દાહોદ નગરના હ્રદયમાં છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત રૂ. ૧૧૦.૫૯ કરોડના ખર્ચથી તેનું નવીનીકરણ થઇ રહ્યું છે. તેમાં તળાવની આસપાસના ૧૦૫ હેક્ટર વિસ્તારમાં સાયકલ, વોકિંગ-જોગિંગ ટ્રેક, કસરતના સાધનો, ગાર્ડન ડેવલપમેન્ટ, ફૂડ કોર્ટ સહિતની સુવિધા ઉભી કરવામાં આવશે. તેની કામગીરી ૨૧ ટકા પૂર્ણ થઇ ગઇ છે. દાહોદના નગરજનોને નવું નજરાણુ મળશે. આ ઉપરાંત નગરના અન્ગ બગીચાઓનો પણ રૂ. ૩.૧૨ કરોડના ખર્ચથી વિકાસ કરવામાં આવશે.
 
સ્માર્ટ રોડ
દાહોદના સાત રાજમાર્ગોનું રૂ. ૬૧ કરોડના ખર્ચથી સ્માર્ટ રોડ તરીકે ડેવલપ કરવામાં આવશે. જેમાં સાઇડમાં ફૂટપાથ, પાર્કિંગ, ક્રોસિંગ, સિટિંગ એરેન્જમેન્ટ, સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ, ગ્રિનસ્પેસ કોરીડોર જેવી સુવિધા હશે. રાજમાર્ગો નીચેથી પસાર થતાં અન્ડર ગ્રાઉન્ડ કેબલ, ફાઇબર કનેક્શન વગેરેને યુટિલિટી ડક્ટ વડે આવરી લેવામાં આવશે. જેથી વારંવાર રોડ ખોદવાની પ્રક્રીયા પર નિયંત્રણ લાવી શકાશે. આ ઉપરાંત દાહોદમાં ઇન્દોર રોડ ઉપર રૂ. ૧૫ કરોડના ખર્ચથી ટ્રાઇબલ મ્યુઝિયમ અને ટ્રક ટર્મિનલ બનાવવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર