મોદીની શપથવિધિમાં 6 હજાર મહેમાન પણ પરિવારનો એક પણ સભ્ય હાજર નહી હોય

ગુરુવાર, 30 મે 2019 (18:02 IST)
જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સતત બીજી વખત દેશના વડા પ્રધાન તરીકે શપથ લેશે, ત્યારે દેશ-વિદેશના લગભગ છ હજાર લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે, તેમના પરિવારનો એક પણ સભ્ય શપથવિધિમાં હાજર નહીં હોય. 
 
જશોદાબહેન ઘરથી બહાર હોવાને કારણે શપથવિધિ નિહાળી નહીં શકે. જશોદાબહેન શિક્ષિકા તરીકે નિવૃત્ત થયાં છે અને તેમના ભાઈ અશોક મોદી સાથે રહે છે. વર્ષ 2014માં નરેન્દ્ર મોદીએ ગુજરાતની વડોદરા બેઠક ઉપરથી લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી કરતી વેળાએ પ્રથમ વખત સ્વીકાર્યું હતું કે તેઓ 'પરિણીત' છે.
 
ક્યાં હશે જશોદાબહેન?
 
જશોદાબહેને કહ્યું, "સુરત મહાનગરપાલિકા આયોજિત બાળકો માટેના એક કાર્યક્રમમાં હાજર રહેવાનું આમંત્રણ મળ્યું હતું, એટલે સુરત આવી છું."
 
"થોડી વારમાં ઘરે પરત જવા નીકળી જઈશું."
 
જશોદાબહેનના ભાઈ અશોકભાઈ મોદી પણ સુરત તેમની સાથે જ આવ્યા હતા.
 
અશોકભાઈના કહેવા પ્રમાણે, "સાંજે શપથવિધિ ચાલતો હશે, ત્યારે અમે કાર્યક્રમ પતાવીને ઘરે પરત ફરવા માટે નીકળી જઈશું."
 
"એ સમયે અમે રસ્તામાં હોઈશું એટલે કાર્યક્રમને ટીવી ઉપર નિહાળી નહીં શકીએ."
 
 
2014ના શપથવિધિ વખતે શું કર્યું હતું?
 
ઓબામાના આગમનનો કાર્યક્રમ ટીવી ઉપર નિહાળી રહેલા જશોદાબહેનની ફાઇલ તસવીર
તા. 26મી મે, 2014માં નરેન્દ્ર મોદી પ્રથમ વખત દેશના વડા પ્રધાન બન્યા હતા. જશોદાબહેન સાથેના સંબંધના સ્વીકાર બાદ આ તેમનો પ્રથમ શપથવિધિ સમારોહ હતો. જોકે, મોદીએ જશોદાબહેન કે અન્ય કોઈ પરિવારજનને દિલ્હી આવીને કાર્યક્રમમાં હાજર રહેવાનું આમંત્રણ આપવાનું ટાળ્યું હતું. જશોદાબહેને ઊંઝામાં ટીવી ઉપર આ કાર્યક્રમ નિહાળ્યો હતો. તેમણે ઘરે આવેલા કોઈ મહેમાન સાથે વાત કરી નહોતી.
મોદીનાં માતા હીરાબાએ અમદાવાદ ખાતે નાનાભાઈ પંકજભાઈના નિવાસસ્થાનેથી કાર્યક્રમ નિહાળ્યો હતો.
 
લગ્નનો વિવાદ
 
2014 લોકસભા ચૂંટણી દરમિયાન ગુજરાતની વડોદરા બેઠક પરથી ઉમેદવારીપત્રક ભરતી વખતે મોદીએ સ્વીકાર્યું હતું કે તેઓ 'પરિણીત' છે. મોદીએ જીવનસાથી તરીકે જશોદાબહેનનું નામ જણાવ્યું હતું. જોકે, તેમનાં પાનકાર્ડ, આવક તથા સંપત્તિ અંગેની વિગતોમાં 'ખબર નથી' હોવાનું જાહેર કર્યું હતું. એ સમયે આ મુદ્દે રાજકીય ચર્ચા જામી હતી. મોદીના બચાવમાં ભાજપે તેમના મોટા ભાઈ સોમાભાઈ દામોદરદાસ મોદીએ નિવદેન આપ્યું હતું.
 
એ નિવેદનમાં સોમાભાઈએ જણાવ્યું હતું કે તેમની જ્ઞાતિ આર્થિક અને સામાજિક રીતે પછાત હતી, એટલે સામાજિક દૂષણને કારણે માત્ર 17 વર્ષની ઉંમરે તેમના 'બાળવિવાહ' કરાવવામાં આવ્યા હતા. થોડા દિવસોમાં બંને અલગ થઈ ગયા હતા, પરંતુ બંનેએ લગ્ન ફોક કર્યું નહોતું.
 
 
મોદીનાં લગ્નજીવનનો વિવાદ
 
નરેન્દ્ર મોદીએ ભાજપ અને એ પહેલાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં કાર્યકરથી લઈને પક્ષના મહાસચિવ સુધી અલગઅલગ પદ પર કામ કર્યું હતું. દરમિયાન તેઓને 'પરિણીત કે અપરિણીત' છે એ વાતનો ખુલાસો કરવાની જરૂર પડી ન હતી. તેમની નજીકના બહુ થોડા લોકો મોદીનાં લગ્નથી વાકેફ હતા. અન્યને એમ જ હતું કે મોદી 'અપરિણીત' છે.
 
ઑક્ટોબર 2001માં નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે શાસનની ધુરા સંભાળી. નિયમ પ્રમાણે, એપ્રિલ-2002 સુધીમાં તેમણે વિધાનસભાની ચૂંટણી જીતવાની હતી. એ સમયે ચૂંટણીપંચને ઍફિડેવિટ આપતી વખતે પ્રથમ વખત મોદીને તેમના વૈવાહિક દરજ્જા અંગે કશું કહેવાની જરૂર ઊભી થઈ ન હતી.
 
જોકે, તત્કાલીન કાયદાકીય છૂટનો ઉપયોગ કરીને જીવનસાથીની સંપત્તિની કૉલમમાં 'લાગુ પડતું નથી' તેમ જણાવ્યું. એ પછી ડિસેમ્બર 2002, ડિસેમ્બર 2007 તથા ડિસેમ્બર 2012ની વિધાનસભા ચૂંટણી દરમિયાન મોદીએ ખુદના વૈવાહિક દરજ્જા અંગે 'ઔપચારિક' રીતે કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું.
 
 
"લોકોએ રાજકારણ કરવા માટે જશોદાબહેન અને નરેન્દ્રભાઈ વિશે આવું જુઠ્ઠાણું ન ફેલાવું જોઈએ."
સપ્ટેમ્બર 2013માં દેશની સર્વોચ્ચ અદાલતે શકવર્તી ચુકાદો આપ્યો હતો.
 
ત્યારબાદ સુપ્રીમ કોર્ટના ચુકાદાના આધારે ચૂંટણીપંચ દ્વારા ઉમેદવારી અંગે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી. પંચે જણાવ્યું હતું કે જો ઉમેદવારને કોઈ વિગત અંગે જાણ ન હોય તો તે 'ના' કે 'લાગુ પડતું નથી' એમ જણાવી શકે છે, પરંતુ કોઈ કૉલમ ખાલી ન છોડી શકે. પંચે ઉમેર્યું હતું કે જો રિટર્નિંગ ઑફિસર દ્વારા માહિતી માગવા છતાંય જરૂરી વિગતો આપવામાં ન આવે તો જે તે ઉમેદવારીપત્રક રદ કરવા પાત્ર ઠરશે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો 'પૂર્વવર્તી અસર'થી ન અપાયો હોવાથી મોદી સહિત અન્ય ઉમેદવારોએ અગાઉની ચૂંટણી ઍફિડેવિટ્સમાં આપેલી વિગતો અંગે કોઈ કાર્યવાહી થઈ ન હતી.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર