રાજયમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન મોટાભાગનાં જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ખુબ સારો વરસાદ પડ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતનાં તમામ જિલ્લા-તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે. ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર તાલુકામાં ૨૪ કલાકમાં સૌથી વધુ ૧૭૨ મી.મી. એટલે કે સાત ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યના ૨૫ જિલ્લાઓના ૯૭ તાલુકાઓમાં મેઘમહેર યથાવત રહી છે. જ્યારે ૨૯ તાલુકાઓમાં એક ઇંચથી વધુ અને અન્ય ૬૮ તાલુકાઓમાં એક ઇંચથી ઓછો એટલે કે ઝરમર વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.
ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર તાલુકામાં ૧૭૨ મી.મી., ભરૂચ તાલુકામાં ૧૧૮ મી.મી., સુરત જિલ્લાના કામરેજમાં ૧૧૦ મી.મી. અને માંગરોળમાં ૧૦૫ મી.મી. વરસાદ વરસ્યો હતો. પંચમહાલ જિલ્લાનાં જાંબુઘોડામાં ૭૫ મી.મી એટલે કે ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. રાજ્યના ૬ તાલુકાઓમાં બે ઇંચથી વધુ અને ત્રણ ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હતો. જેમાં સુરતના પલસાણામાં ૬૬ મી.મી., ભરૂચના વાલીયામાં ૬૪ મી.મી., નવસારીના ગણદેવીમાં ૬૩ મી.મી., છોટાઉદેપુરના ક્વાંટમાં ૫૯ મી.મી., બનાસકાંઠાના સૂઇગામ અને સુરેન્દ્રનગરનાં લખતરમાં ૫૨ મી.મી. વરસાદ વરસ્યો હતો. રાજ્યના ૧૮ તાલુકાઓમાં એક ઇંચથી વધુ અને બે ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હતો. જેમાં નાંદોદ, હાંસોટ, જાંબુસર, ચિખલી, રાધનપુર, સાવરકુંડલા, દેત્રોજ, શિનોર, ગીર ગઢડા, સુરતના માંડવી, પાદરા, ઝઘડીયા, જલાલપોર, વાપી, વઘઈ, જેતપુર પાવી, હાલોલ તેમજ નવસારી તાલુકાનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત શંખેશ્વર, બોટાદ, ગઢડા, ખેરગામ, કરજણ, પારડી, મહુવા(સુરત), ધરમપુર, હારીજ, સરસ્વતી, કાલાવાડ, કોડીનાર, નેત્રાંગ, જોટાણા, સુત્રાપાડા, બોરસદ, તિલકવાડા, પડધરી, તળાજા, વલસાડ, બોડેલી, વાંસદા અને આંકલાવ મળીને કુલ ૨૩ તાલુકાઓમાં અડધા ઇંચથી વધુ અને એક ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હતો. જ્યારે માણસા, ચોર્યાસી, સાણંદ, ડભોઇ, વસો, ઉમરપાડા, ચાણસ્મા, મહુવા(ભાવનગર), માળિયા, વિરમગામ, સંખેડા, વાગરા, કુકરમુંડા, બારડોલી, સાંતલપુર, ભાભર, ધાનેરા, માતર અને કપરાડામાં મળી કુલ ૧૯ તાલુકાઓમાં ૬ મી.મી.થી વધુ અને અડધા ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હતો. અન્ય ૨૬ તાલુકાઓમાં ૬ મી.મી.થી ઓછો ઝરમર વરસાદ વરસ્યો હતો.