પોલીસે કોર્ટમાં જણાવ્યું 'કાટ લાગી ગયો હતો મોરબી પુલના તારને, સમારકામ થયું નહી, મેનેજરે કહ્યું- ભગવાનની મરજીથી અકસ્માત સર્જાયો

બુધવાર, 2 નવેમ્બર 2022 (15:38 IST)
ગુજરાતના મોરબીમાં રવિવારે (30 ઓક્ટોબર)ના રોજ થયેલા અકસ્માત અંગે પોલીસે સ્થાનિક કોર્ટમાં તેમનું નિવેદન નોંધ્યું હતું. તપાસનીશ અધિકારી અને મોરબીના નાયબ પોલીસ અધિક્ષક પીએ ઝાલાએ મંગળવારે (1 નવેમ્બર) કોર્ટને જણાવ્યું હતું કે ઝુલતા પુલના વાયરમાં કાટ લાગી ગયો છે અને જો તેનું સમારકામ કરવામાં આવ્યું હોત તો અકસ્માત ન થયો હોત. બ્રિજની જાળવણી માટે જવાબદાર ઓરેવા કંપનીના મેનેજર અને ધરપકડ કરાયેલા નવ પૈકીના એક દીપક પારેખે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને એડિશનલ સિનિયર સિવિલ જજ એમ.જે. ખાનને જણાવ્યું હતું કે આવી કમનસીબ ઘટના બની તે ભગવાનની ઈચ્છા હતી.
 
ફરિયાદ પક્ષના વકીલે આ કહ્યું
રવિવારે મોરબીના કેબલ બ્રિજ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 141 થઇ છે. ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર મુજબ, ડીએસપી ઝાલાએ ધરપકડ કરાયેલા નવમાંથી ચારના 10 દિવસના રિમાન્ડની માંગણી કરતાં કોર્ટરૂમમાં જણાવ્યું હતું કે, ગાંધીનગરથી આવેલી એક ટીમના ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના રિપોર્ટ મુજબ પુલ પર કેટલા લોકો છે, આ ક્ષમતાને નક્કી કર્યા વિના અને સરકારની મંજૂરી વગર 26 ઓક્ટોબરે બ્રિજ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જાળવણી અને સમારકામના ભાગ રૂપે કોઈ જીવન બચાવનારા સાધનો અથવા લાઈફગાર્ડ્સ તૈનાત કરવામાં આવ્યા ન હતા. માત્ર પ્લેટફોર્મ (ડેક) જ બદલવામાં આવ્યું હતું. બીજું કોઈ કામ નહોતું કર્યું."
 
પીએ ઝાલાએ જણાવ્યું હતું કે, "બ્રિજ વાયર પર હતો અને તેના પર ઓઇલિંગ કે ગ્રીસિંગ કરવામાં આવ્યું ન હતું." જ્યાં વાયરો તુટી ગયા હતા ત્યાં કાટ લાગી ગયો હતો. જો વાયરિંગનું સમારકામ થયું હોત તો અકસ્માત સર્જાયો ન હોત. શું કામ થયું અને કેવી રીતે થયું તેનો કોઈ દસ્તાવેજ રાખવામાં આવ્યો ન હતો. જે સામગ્રી ખરીદવામાં આવી હતી, તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તેની તપાસ કરવાની બાકી છે.
 
સરકારી વકીલે આપી આ જાણકારી
રિપોર્ટ અનુસાર, સરકારી વકીલ એચએસ પંચાલે કહ્યું કે અત્યાર સુધીની તપાસ દર્શાવે છે કે કોન્ટ્રાક્ટર લાયક એન્જિનિયર ન હતો અને તેણે રિપેરિંગનું કામ કર્યું ન હતું. એલ્યુમિનિયમના પાટિયાના કારણે પુલ તૂટી પડયો હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.
 
બચાવ પક્ષના વકીલ અને મેનેજરે આ વાત કહી
મેનેજર દિપક પારેખ, દિનેશભાઈ મહાસુખરાય દવે, કોન્ટ્રાક્ટર પ્રકાશભાઈ લાલજીભાઈ પરમાર અને દેવાંગભાઈ પ્રકાશભાઈ પરમાર એમ ચાર લોકો વતી સુરેન્દ્રનગરના વકીલ જી.કે.રાવલ હાજર થયા હતા. રાવલે કોર્ટને જણાવ્યું હતું કે બ્રિજની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં પારેખની કોઈ ભૂમિકા નથી. આ અંગે પારેખે જજને કહ્યું કે તે ગ્રાફિક ડિઝાઈનનું કામ જોઈ રહ્યો છે અને કંપનીમાં મીડિયા મેનેજર છે.
 
પારેખે કહ્યું, "કંપનીના મેનેજિંગ ડિરેક્ટરથી લઈને નીચલા સ્તરના કર્મચારીઓ સુધી, બધાએ ઘણું કામ કર્યું પરંતુ ભગવાનની ઈચ્છા હતી કે આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની."
 
'કોન્ટ્રાક્ટરોએ આ રીતે કર્યું કામ'
એડવોકેટ જી.કે. રાવલે જણાવ્યું કે કોન્ટ્રાક્ટરો માત્ર વેલ્ડીંગ, ઈલેક્ટ્રીક ફીટીંગ વગેરે જેવા કામો હાથ ધરવા માટે જવાબદાર હતા અને તેઓ પ્રાપ્ત સામગ્રીના આધારે તે કરે છે. ફરિયાદ પક્ષે ટિકિટ ક્લાર્ક અને સુરક્ષા કર્મચારીઓના રિમાન્ડની માંગ કરી ન હતી જેમની ધરપકડ કરવામાં આવી હતી અને ભીડને નિયંત્રિત કરવામાં નિષ્ફળ ગયા હતા. 
 
ફરિયાદીઓએ જણાવ્યું હતું કે ઓરેવાના બે મેનેજર પુલના સમારકામ અને જાળવણી સંબંધિત કોન્ટ્રાક્ટની દેખરેખની જવાબદારી સંભાળતા હતા અને સમારકામના કામમાં સામેલ હતા. બચાવ પક્ષના વકીલે જણાવ્યું હતું કે બ્રિજની ફિટનેસની ખાતરી કરવામાં બંને સંચાલકોની કોઈ ભૂમિકા નથી. દરમિયાન મંગળવારે મોરબી બાર એસોસિએશને સર્વાનુમતે ઠરાવ પસાર કરી સભ્ય વકીલો વતી આ ઘટનાને લગતા કોઈપણ આરોપીનો કેસ લડવાનો ઈન્કાર કર્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર