મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોના શોકમાં આજે ગુજરાતમાં રાજયવ્યાપી શોક

બુધવાર, 2 નવેમ્બર 2022 (09:43 IST)
મોરબીમાં ઝુલતા પુલની દુર્ઘટનાના પગલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મોરબી સતત બે દિવસ ખડે પગે હાજર રહી સતત માર્ગદર્શન અને  અંગત દેખરેખ હેઠળ રાહત-બચાવ કામગીરી કરાવી છે. રવિવારે સાંજે મોરબી શહેરનો ઐતિહાસિક ઝૂલતો પૂલ તૂટી જવાની દુર્ઘટનાની જાણ થતા જ મુખ્યમંત્રી કેવડિયા કોલોની ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના કાર્યક્રમને ટૂંકાવી ક્ષણભરનો પણ વિલંબ કર્યા વિના તાત્કાલિક અસરથી મોરબી પહોંચ્યા હતા. 
 
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ગુજરાત સરકારે 2 નવેમ્બરે રાજ્યવ્યાપી શોક મનાવવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે અને કોઈ સત્તાવાર સમારોહ યોજાશે નહીં. તેમણે કહ્યું કે વડાપ્રધાનની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
 
મુખ્યમંત્રીએ મોરબી પહોંચતાની સાથે જ સેનાની ત્રણેય પાંખના ઉચ્ચ અધિકારીઓ, એન.ડી.આર.એફ., એસ. ડી. આર. એફ., જિલ્લા કલેક્ટર સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે તાકીદની બેઠક ગોઠવી સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો અને તાત્કાલિક અસરથી બચાવ અને રાહત કામગીરી વેગવંતી બનાવવા અંગેના નિર્દેશો-સૂચનો જારી કર્યા હતા. 
 
મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજકોટ, અમદાવાદ, સુરેન્દ્રનગર, જામનગર સહિતના જિલ્લાઓમાંથી રાહત કામગીરી માટે આધુનિક સંસાધનોથી સજ્જ અનેક ટીમો મોરબી ખાતે આવી પહોંચી. તાત્કાલિક ધોરણે આ ટીમોએ દુર્ઘટનાસ્થળે પહોંચી અસરગ્રસ્ત લોકોને નદીમાંથી બહાર કાઢી હોસ્પિટલ ખાતે પહોંચતા કરવાની ત્વરિત કામગીરી પૂર્ણ કરી હતી. 
 
પુલ તુટી પડયાના બીજા દિવસે પણ એનડીઆરએફ, ફાયર બ્રિગેડ, આર્મી, પોલીસ, તરવૈયાની ટીમ દ્વારા સતત રેસ્ક્યુ ઓપરેશન કાર્યરત રહ્યા હતા અને અત્યાર સુધી ૧૩૩ મૃતદેહો  નીકાળવામાં આવ્યા છે જ્યારે મિસિંગ એક માત્ર વ્યક્તિ માટે હજી પણ રેસ્ક્યુ ઑપરેશન ચાલુ છે. ૦૬ ઇજાગ્રસ્તોને સારવાર આપી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવેલ છે અને ૦૫ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઉપરાંત ૦૨ લોકોને વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરવામાં આવ્યા છે.
 
આ દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં ગાંધીનગર રાજભવન ખાતે યોજાયેલી એક ઉચ્ચસ્તરીય બેઠકમાં મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોના શોકમાં આગામી તારીખ ૨ નવેમ્બરે ગુજરાતમાં રાજયવ્યાપી શોક પાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દિવસે સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રાખવામાં આવશે તેમજ કોઈ સરકારી જાહેર સમારંભો, સત્કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમો યોજાશે નહીં.
 
સતત ૨ દિવસ સુધી ઘટનાસ્થળે જઈ અને મોરબી સિવિલ હોસ્પિટલની મુલાકાતો કરી તેમ જ વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે કામગીરીની સતત સમીક્ષા કરતા પ્રત્યક્ષ મોનિટરિંગ કર્યું હતું. અસરગ્રસ્ત લોકોને અગવડતા ન પડે તે માટે મુખ્યમંત્રીશ્રીના દિશા નિર્દેશ અનુસાર રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પણ ૧૦૦ બેડના અલાયદા વોર્ડની રચના કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ ઇજાગ્રસ્ત દર્દીઓની મુલાકાત લઇ સારવાર અને તબિયત અંગે પૃચ્છા કરી હતી અને મૃતકોના સ્વજનોને મળી સંવેદના દર્શાવતા સાંત્વના પણ પાઠવી હતી.
 
મુશ્કેલીની આ ઘડીમાં દુર્ઘટનાનો ભોગ બનેલ હતભાગીઓ ઓના પરિવારજનોને મદદરૂપ થવા તાત્કાલિક અસરથી મુખ્યમંત્રીએ આર્થિક સહાય પણ જાહેર કરી છે. જે હેઠળ મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાંથી પ્રત્યેક મૃતકના પરિવારજનને ૪ લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને ૫૦,૦૦૦ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. જેના પગલે મૃતકોના પરિજનોને આ સહાય ચૂકવવાની કામગીરી હાથ ધરવામા આવી રહી છે.
 
મૃતકના પરિવારને 4 લાખની સહાય
સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે મોરબી ઝુલતા પુલ તૂટી પડવાના અકસ્માતથી હું ખૂબ જ દુઃખી છું, આ અકસ્માતમાં જીવ ગુમાવનારા નાગરિકોના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર દરેક મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાય આપશે. તેમણે કહ્યું કે વડા પ્રધાને પરિસ્થિતિ પર સતત નજર રાખવા અને અસરગ્રસ્ત લોકોને તમામ શક્ય મદદ આપવાનું પણ કહ્યું હતું.
 
શંકરસિંહ વાઘેલા વ્યક્ત કર્યું દુખ
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા બાપુએ મોરબીમાં ઝૂલતો પુલ નદીમાં તૂટી પડવાની દુર્ઘટનામા નાના બાળકો સહીત ૪૨ જેટલા લોકોના મૃત્યુ અંગે અને ઘાયલો અને સ્વજનો પ્રત્યે ઉંડા દુઃખ અને સંવેદનાની લાગણી વ્યક્ત કરી. ​મૃતકોના કુટુંબીજનો અને ઈજાગ્રસ્ત લોકો અને તેમના પરિજનોને સાંત્વના અને દિલશોજી પાઠવવા તેઓ આવતી કાલ ૩૧/૧૦/૨૦૨૨ના રોજ સવારે મોરબી જનાર છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર