મોરબી પુલ દુર્ઘટના : 'મેં 15 મૃતદેહો દોરડાથી બાંધીને બહાર કાઢ્યા' મચ્છુ નદીમાંથી લોકોને બચાવનારની આપવીતી

બુધવાર, 2 નવેમ્બર 2022 (08:10 IST)
મોરબીની મચ્છુ નદી પરનો પુલ તૂટ્યો, એની થોડી જ વારમાં અમે દોરડું લઈને આવી ગયા અને નદીમાંથી 15 મૃતદેહોને બાંધીને બહાર કાઢ્યા.' મોરબીમાં મચ્છુ નદી પરનો પુલ તૂટવાની દુર્ઘટના ઘટી એ સ્થળથી થોડે જ દૂર રહેતા રમેશભાઈ જિલરિયાના આ શબ્દો છે.
 
રવિવારે સાંજે છ વાગ્યા આસપાસ ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી પરનો પુલ તૂટી પડ્યો હતો, પુલ તૂટ્યો એ વખતે તેની પર સેંકડો લોકો હતા. પુલ તૂટતાં જ એ લોકો નદીમાં પડ્યા હતા અને તણાવા લાગ્યા હતા.
 
ગુજરાત સરકારના મંત્રી અને સાંસદો દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે આ ઘટના બાદ 60થી વધારે મૃતદેહો મળી આવ્યા છે અને હજી વધારે મૃતદેહો મળવાની આશંકા છે.
 
મોરબીમાં આ ઘટના ઘટી એ વખતે કેટલાક લોકો ત્યાં હાજર હતા અને ઘટના બાદ તરત જ તેઓ બચાવકામગીરીમાં લાગી ગયા હતા.
 
જીવતા લોકોને બચાવવાની સાથે કેટલાક લોકોએ મૃતદેહોને પણ બહાર કાઢ્યા હતા.
 
આ દુર્ઘટના બાદ પાણીમાંથી મૃતદેહોને બહાર કાઢનાર રમેશભાઈ જિલરિયાએ બીબીસીના સહયોગી રાજેશ આંબલિયા સાથે વાત કરતા કહ્યું કે "હું અહીં પાસે જ રહું છું, સાંજે છ સાડા છ વાગ્યા આસપાસ મને ખબર પડી કે આવી દુર્ઘટના ઘટી છે."
 
"એટલે અમે તરત દોરડું લીધું અને અમે અહીં આવી ગયા, આ દોરડાની મદદથી અમે 15 જેટલા મૃતદેહોને બહાર કાઢ્યા હતા."
 
તેઓ ઘટના બાદની સ્થિતિ વર્ણવતા કહે છે કે, "હું આવ્યો ત્યારે 50થી 60 લોકો તૂટી ગયેલા ઝૂલતા પુલ પર લટકી રહ્યા હતા, ધીમે-ધીમે એ લોકોને ઉપર મોકલ્યા હતા."
 
"એ પછી અમને જેમ-જેમ મૃતદેહો મળતા ગયા, એમ-એમ અમે તેમને દોરડાથી બાંધીને બહાર કાઢ્યા હતા."
 
"એમાંથી ત્રણ મૃતદેહ નાનાં બાળકોના હતા."

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર