ઝૂલતા પુલની દુર્ઘટનામાં FSL રિપોર્ટમાં મોટો ધડાકો: બ્રિજના કેબલ કાટ ખાયેલા અને નબળા હતા

બુધવાર, 2 નવેમ્બર 2022 (09:43 IST)
ઝૂલતા પુલની દુર્ઘટનામાં FSL રિપોર્ટમાં મોટો ધડાકો છે. જે મુજબ બ્રિજના કેબલ કાટ ખાયેલા અને નબળા હતા. રિપેરીંગના નામે માત્ર પ્લેટફોર્મ જ બદલાયું હતું. આ અંગે પોલીસ અધિકારીએ કોર્ટ સમક્ષ નિવેદન આપ્યું છે. હાલ કોર્ટે પકડાયેલા 9 પૈકી પાંચ શખ્સને જેલ હવાલે કર્યા છે જ્યારે મેનેજર - કોન્ટ્રાકટર સહિત ચાર આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.

મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડવાની ઘટનાને પગલે પોલીસ તંત્ર દ્વારા પુલનું સંચાલન કરતા લોકો અને ઝુલતા પુલનું મેન્ટેનન્સ કરનારાઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો, અને આ ગુનામાં ૯ આરોપીઓની ધરપકડ કરી હતી. આજે રિમાન્ડની માંગણી સાથે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે કોર્ટે તા.૫ સુધી એટલે કે ચાર દિવસના ચાર આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા છે. આવેલ છે અને પાંચ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે.

મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડવાની ઘટનામાં મોરબી સીટી બી ડિવિઝન પીઆઇ દેકાવડીયા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને પુલનું મેન્ટેનન્સ કરનાર એજન્સી તેમજ ઝુલતા પુલનું મેનેજમેન્ટ સંભાળતી એજન્સી અને તપાસમાં જે કોઈ ખુલે તેની સામે આઇપીસીની કલમ ૩૦૪, ૩૦૮ (માનવવધ) અને ૧૧૪ (મદદગારી) મુજબ ફરિયાદ નોંધવામાં આવી હતી.આ આરોપીને પોલીસે કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જેમાં પીઆઈએ કોર્ટને એફએસએલ રિપોર્ટનો આધાર આપતા જણાવેલ કે, પ્રાથમિક રિપોર્ટ મુજબ પુલનો કેબલ નબળો અને કાટ ખાયેલો હતો. ફેબ્રિકેશનનો કોન્ટ્રાકટ રૂ.29 લાખમાં અપાયો હતો. રિપેરીંગના નામે માત્ર પ્લેટફોર્મ જ બદલાયું હતું. આરોપી પૈકી ચાર પાસે ટેક્નિકલ જ્ઞાન પણ નથી. મેઇન્ટેનન્સની જવાબદારીમાં પણ હાજર કર્મચારીઓને મેઇન્ટેનન્સની કોઈ ટ્રેનિંગ અપાઈ નહોતી. મુલાકાતીઓને લાઈફ જેકેટ અપાયા નહોતા. કોઈ પણ જાતની મંજૂરી વગર જ પુલ શરૂ કરી દેવાયો.

અત્રે પીઆઈએ કોર્ટ સમક્ષ મહત્વનું નિવેદન આપ્યું કે જો કેબલ યોગ્ય હોત તો આ ઘટના બની જ ન હોત. નિવેદન સહિતની પ્રક્રિયા અને દલીલ બાદ કોર્ટે ચાર આરોપીઓ મેનેજર દીપકભાઇ પારેખ અને દિનેશભાઈ દવે તેમજ કોન્ટ્રાકટર પિતા - પુત્ર પ્રકાશભાઈ અને દેવાંગના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને પાંચ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર