ઉનાળાએ અસલ મિજાજ બતાવતા આજે ૪૧ ડિગ્રી સાથે અમદાવાદમાં સિઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. અમદાવાદમાં માર્ચ મહિનામાં ગરમીનો પારો ૪૧ ડિગ્રીએ પહોંચ્યો હોય તેવું સતત ચોથા વર્ષે બન્યું છે. આજે અમદાવાદ ઉપરાંત ૮ શહેરમાં ૪૧ ડિગ્રીથી વધારે ગરમી નોંધાઇ હતી. જેમાં ઈડર સૌથી વધુ ૪૩.૪ ડિગ્રીમાં શેકાયું હતું. અમદાવાદ, ઈડર ઉપરાંત સુરેન્દ્રનગર, નલિયા, ડીસા, રાજકોટ, ભૂજ, ગાંધીનગરમાં પણ પારો ૪૧ ડિગ્રીને પાર થયો હતો. હવામાન વિભાગ પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર ગુજરાતમાં હાલ ઉત્તરપશ્ચિમનો પવન ફૂંકાઇ રહ્યો છે.
આવતીકાલે ઉત્તર ગુજરાત જેમાં ખાસ કરીને બનાસકાંઠા-સાબરકાંઠા અને કચ્છ જિલ્લામાં હિટ વેવ રહી શકે છે. અમદાવાદમાં આગામી ચાર દિવસ ગરમીનો પારો ૪૦ ડિગ્રીની આસપાસ રહેશે. આજે ભેજનું પ્રમાણ સવારે ૫૬% અને સાંજે ૧૫% નોંધાયું હતું. છેલ્લા ૧૦ વર્ષમાં માર્ચ મહિનામાં અમદાવાદમાં ગરમીનો પારો ૪૧ ડિગ્રી કે તેને પાર થયો હોય તેવું પાંચ વખત બન્યું છે. જેમાં ૨૧ માર્ચ ૨૦૧૦ના ૪૩ ડિગ્રી સાથે છેલ્લા ૧૦ વર્ષમાં માર્ચમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. ૩૧ માર્ચ ૧૯૦૮ના ૪૩.૯ ડિગ્રીએ માર્ચ મહિનામાં નોંધાયેલી ગરમીનો ઓલટાઇમ રેકોર્ડ છે. માર્ચ મહિનામાં રાજકોટમાં પણ ગરમીનો પારો ૪૧ ડિગ્રીને પાર થયો હોય તેવું સતત ચોથા વર્ષે બન્યું છે. જાણકારોના મતે આ પ્રકારની કાળઝાળ ગરમીમાં હિટ સ્ટ્રોકથી બચવા બપોરના શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું જોઇએ. બપોરના સમયે બહાર નીકળવાનું થાય તો સફેદ, કોટન વસ્ત્ર પહેરવા જોઇએ. ડિહાઇડ્રેશનથી બચવા શક્ય તેટવું વધુ પાણી-લીંબુ પાણી પીવું હિતાવહ છે