દિવાળી વેકેશનમાં એક સપ્તાહનો કાપ મુકી ઉનાળુ વેકેશન વધારવા માંગઃ CMને રજૂઆત

શનિવાર, 1 જૂન 2024 (12:49 IST)
ગુજરાતમાં કાળઝાળ ગરમીને કારણે લોકો હેરાન થઈ ગયાં છે. રાજ્યમાં ગરમીનો પારો 44 ડિગ્રી વટાવી ચૂક્યો છે. આ વર્ષે રાજ્યમાં રેકોર્ડ બ્રેક ગરમી પહોંચી છે. એટલું જ નહિ હજુ પણ ગરમી અને હીટવેવની આગાહી છે. ત્યારે આગામી 13મી જૂનથી શરૂ થઈ રહેલા શૈક્ષણિક સત્રને લંબાવવા માટે શાળા સંચાલક મંડળે શિક્ષણ વિભાગ અને સરકારને રજૂઆત કરી છે. શાળાઓમાં ચાલી રહેલું ઉનાળું વેકેશન 13 જૂનની જગ્યાએ 22 જૂન સુધી લંબાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
 
દિવાળી વેકેશનમાં કાપ મુકીને ઉનાળુ વેકેશન લંબાવવા માંગ
આ અંગે શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતુ કે, આ વખતે ગરમી અને હીટવેવની અસર વધુ જોવા મળી છે. હજુ પણ ગરમી યથાવત રહેવાની આગાહી છે. ત્યારે 13 જૂનથી શૈક્ષણિક સત્ર શરું થાય છે.તેવા સમયે પણ ગરમી યથાવત રહેવાની હોય તો શાળાઓ એક સપ્તાહ મોડી ખોલવા શિક્ષણ વિભાગ, શિક્ષણ મંત્રી અને રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.અત્યારે સ્કૂલ એક સપ્તાહ મોડુ શરૂ કરવામાં આવે અને તે સાત દિવસનો કાપ દિવાળી વેકેશનમાં મુકી શકાય. જેથી વેકેશન એક અઠવાડિયું લંબાવવા માગ છે.દિવાળી વેકેશન 21 દિવસનું હોય છે તેની જગ્યાએ તેને 14 દિવસનું કરીને તે રજાના દિવસો આ વખતે ઉનાળું વેકશનમાં વધારી દેવા જોઈએ. 
 
ગરમીને કારણે વેકેશન લંબાવવું જોઈએઃ શાળા સંચાલક મંડળ
શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે વધુમાં કહ્યું હતું કે, મોટાભાગની CBSE શાળાઓ પણ 22 જૂન બાદ કે જુલાઈ માસની શરૂઆતથી ખુલી રહી છે. ત્યારે ગુજરાત બોર્ડની શાળાઓમાં પણ ગરમીના કારણે એક અઠવાડિયું વેકેશન લંબાવવાની માગ છે.હાલ પણ રાજકોટના અગ્નિકાંડને પગલે શાળાઓમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થાની કામગીરી કરવામાં આવી રહી છે. જે શાળાઓ પાસે ફાયર એનઓસી નથી કે પછી ફાયર સેફ્ટી નથી ત્યાં એ કામગીરી કરવામાં આવી રહી છે. જો શાળાનું વેકેશન એક અઠવાડિયુ લંબાવવામાં આવે તો શાળાઓને એ કામગીરી કરવાનો પણ સમય મળી શકે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર