વડોદરા એક્સપ્રેસ વે પર એક કલાકમાં બે અકસ્માતઃ બે બાળકોએ માતા પિતાની છત્રછાયા ગુમાવી

શનિવાર, 1 જૂન 2024 (12:15 IST)
gujarati news
અમદાવાદ-મુંબઈ એક્સપ્રેસ વે પર આજે વહેલી સવારે સુરતથી અમદાવાદ તરફના રસ્તા પર અજાણ્યા વાહને બાઇકને ઉલાળતા દંપતીનું મોત નીપજ્યું હતું. જ્યારે તેમના બે બાળકોને ઇજા પહોંચતા સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડાયાં છે. આ દરમિયાન ડ્રાઈવર તેના ટ્રકને બંધ કરીને દોડી આવ્યો હતો. જો કે, બંધ ટ્રકને પાછળથી એક લક્ઝરી બસે ટક્કર મારતા બેલેન્સ ગુમાવ્યું હતું અને બસ ડિવાઇડર કૂદી ગઈ હતી. આ અકસ્માતમાં 7થી 8 મુસાફરોને ઈજા પહોંચી હતી. પહેલા અકસ્માતમાં અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા મા-બાપનું મોત થયું હતું. જ્યારે તેમના બે માસુમ બાળકોએ માતા પિતાની છત્રછાયા ગુમાવી હતી. 
 
અજાણ્યા વાહને અડફેટે લેતા દંપતીનું મોત થયું
આ અકસ્માત અંગે ટ્રાફિક એસીપી જે.આઈ.વસાવાએ જણાવ્યું હતું કે, આજે સવારે 6.20 વાગ્યે સુરત તરફથી અમદાવાદ તરફ જતા હાઇવે પર બાઇક સવાર દંપતી તેમનાં બાળકો સાથે જતું હતું. ત્યારે અજાણ્યા વાહને તેને અડફેટે લેતા દંપતીનું મોત થયું છે. આ દંપતીની ઓળખ થઈ જતા દાહોદથી તેમનાં સગાંવહાલાંને બોલાવી લીધા છે. જ્યારે તેમનાં બે બાળકોને ઇજા પહોંચતા બન્નેને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આ ઘટનાના એકાદ કલાક પછી અમદાવાદથી સુરત તરફ જતા એક્સપ્રેસ વે પર એક લક્ઝરી બસે ટ્રકને પાછળથી ટક્કર મારી હતી. બાદમાં લક્ઝરી બસ લોખંડની રેલી તોડી અને લક્ષ્મી સ્ટુડિયોની દીવાલમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં ટ્રકચાલકને ઈજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો છે. જ્યારે બસની અંદર રહેલા મુસાફરોને નાની-મોટી ઇજા પહોંચતા સ્થળ પર 108 દ્વારા પ્રાથમિક સારવાર આપી છે.
 
લકઝરી બસમાં મુસાફરો રાજસ્થાનથી સુરત જતા હતા
ફાયર વિભાગે બસમાંથી 30 મુસાફરોનું રેસ્ક્યૂ કરી તેમનો જીવ બચાવ્યો હતો.બનાવને લઈને એક્સપ્રેસ વે પર થોડીવાર ટ્રાફિક પણ થયો હતો. જો કે, જાણ થતાં જ ચાર 108 એમ્બ્યુલન્સ, ઇઆરસી અને પાણીગેટ ફાયરની ટીમો તેમજ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો અને હાલ રાબેતા મુજબ વાહનો પસાર થઈ રહ્યાં છે. લકઝરી બસમાં મુસાફરો રાજસ્થાનથી સુરત જતા હતા. બાઈકનો અકસ્માત થયો એ જોવા આઈસર ટેમ્પોનો ચાલક ઉભો હતો. એ ચક્કરમાં બસ આમથી તેમ થઈને સીધી અંદર ઘૂસાડી દીધી હતી, જેમાં 8થી 10 લોકોને ઈજા થઈ છે. બધા જ પેસેન્જર ઊંઘમાં હતા, આગળનો કાચ તોડી બધા બહાર નીકળ્યા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર