ગુજરાતમાં કઈ તારીખ સુધી પહોચશે ચોમાસુ ?

શનિવાર, 1 જૂન 2024 (12:05 IST)
ભારતમાં જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ ગઈ છે. ચોમાસું કેરળની સાથે પૂર્વોત્તરનાં રાજ્યોમાં પણ પહોંચી ગયું છે.
 
કેરળમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે અને આવનારા સાત દિવસ સુધી ત્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
 
બીજી તરફ ગુજરાતમાં હાલ આપણે બે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, મોટા ભાગના વિસ્તારો ભારે ગરમીનો સામનો કરી રહ્યા છે અને કેટલાક વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે.
 
ગુજરાતમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે કેટલાક જિલ્લાઓમાં ધૂળભરી આંધી આવી શકે છે. રાજ્યમાં ઘણા વિસ્તારોમાં ગરમીનો પારો 40 ડિગ્રી સેલ્સિયસ ઉપર રહે તેવી શક્યતા છે.
 
ચોમાસાની શરૂઆત બાદ દેશના અન્ય વિસ્તારોમાં તે ક્યારે પહોંચશે તેના પર સૌની નજર છે અને ગુજરાતમાં વરસાદ ક્યારે શરૂ થશે કે જેનાથી ગરમીમાંથી રાહત મળે.
 
ચોમાસું કેટલી ઝડપથી આગળ વધી રહ્યું છે?
 
આ વર્ષે ચોમાસું તેની નિર્ધારિત તારીખ કરતાં વહેલું શરૂ થયું છે અને ઝડપથી દેશના વિવિધ વિસ્તારો સુધી પહોંચી રહ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસું આગળ વધે તેવી તમામ અનુકૂળ પરિસ્થિતિઓ છે અને આવનારા દિવસોમાં તે બીજા વિસ્તારોને પણ કવર કરી લેશે.
 
સામાન્ય રીતે ચોમાસું બે તરફથી આગળ વધે છે અરબી સમુદ્ર તરફથી અને બંગાળની ખાડી તરફથી. કેરળ બાદ ચોમાસું તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર થઈને ગુજરાત સુધી પહોંચે છે. કર્ણાટકના તમામ ભાગને ચોમાસું સામાન્ય રીતે 5 જૂનની આસપાસ કવર કરી લે છે, જે બાદ 10 જૂનની આસપાસ તે મુંબઈ સુધી પહોંચી જાય છે અને ત્યાંથી ચાર પાંચ દિવસ બાદ ગુજરાતમાં તેની એન્ટ્રી થાય છે.
 
હવામાન વિભાગનું કહેવું છે કે શુક્રવારે ચોમાસાની બંગાળની ખાડી તરફની શાખા આગળ વધી છે, જેમાં ત્રિપુરા, મેઘાલય, આસામ અને પશ્ચિમ બંગાળ તથા સિક્કિમ સુધી ચોમાસું આગળ વધી ગયું છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આવનારા બેથી ત્રણ દિવસમાં ચોમાસું કર્ણાટક, તમિલનાડુના કેટલાક વધારે વિસ્તારો સુધી પહોંચી જશે. હાલની સ્થિતિ પ્રમાણે જોઈએ તો ચોમાસું સમય કરતાં થોડું વહેલું આગળ વધી રહ્યું છે અને ઝડપથી નવા વિસ્તારોને આવરી રહ્યું છે.
 
ગુજરાતમાં ગરમી વચ્ચે શેની આગાહી કરાઈ?
 
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ આગાહી કરતાં કહ્યું છે કે ગુજરાતમાં આવનારા બેથી ત્રણ દિવસ સુધી ઝડપી પવનો ફૂંકાશે, તેમાં ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં પવનની ગતિ હજી બેથી ત્રણ દિવસ સુધી જોવા મળશે. કચ્છ, પાટણ, બનાસકાંઠા અને સુરેન્દ્રનગર જિલ્લામાં હવામાન વિભાગે ઝડપી પવનની સાથે ધૂળભરી આંધીની પણ આગાહી કરી છે. આ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં ધૂળિયું વાતાવરણ જોવા મળે તેવી શક્યતા છે.
 
જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકિનારા તરફના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવે વાદળો દેખાવાની સંભાવના છે પરંતુ વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી.
 
બીજી તરફ રાજ્યમાં હજી પણ ગરમી ઘટે એવી સંભાવના દેખાઈ રહી નથી, અનેક વિસ્તારોમાં હજી પણ ગરમીનો પારો ઊંચો રહેશે અને સાથે પવન અરબી સમુદ્ર પરથી આવતો રહેશે. ગુજરાતમાં જૂનના બીજા અઠવાડિયાથી ચોમાસા પહેલાંની વરસાદી ગતિવિધિઓ શરૂ થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. જે બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે.
 
હાલની સ્થિતિ પ્રમાણે જ જો ચોમાસું આગળ વધે અને તેમાં કોઈ ફેરફાર ના થાય તો રાજ્યમાં આ વર્ષે સમયસર ચોમાસું શરૂ થાય તેવી શક્યતા છે. 2023માં ચોમાસું 7 દિવસ મોડું શરૂ થયું હતું, જે બાદ ગુજરાતમાં પહોંચતા પહેલાં ફરી ચોમાસું આગળ વધતું થોભી ગયું હતું અને જેના કારણે રાજ્યમાં લગભગ 10 દિવસ જેટલું મોડું ચોમાસું પહોંચ્યું હતું. જોકે, બિપરજોય વાવાઝોડાને કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં ચોમાસું પહોંચે તે પહેલાં જ વરસાદ થઈ ગયો હતો.
 
ગુજરાતમાં ક્યારે પહોંચશે ચોમાસું અને વરસાદ ક્યારે થશે?
 
ગુજરાતમાં હાલની સ્થિતિ પ્રમાણે કેરળમાં ચોમાસાની શરૂઆત સમયસર જ થઈ છે. ઉપરાંત, હવામાન વિભાગે કહ્યું છે કે ચોમાસું આ જ રીતે આગળ વધે તેવી તમામ અનુકૂળ પરિસ્થિતિઓ દેખાઈ રહી છે.
 
જેથી ચોમાસાને અસર કરતાં કોઈ પરિબળોમાં ફેરફાર ના થાય તો, ગુજરાતમાં ચોમાસું સમયસર પહોંચે એવી શક્યતા હાલ દેખાઈ રહી છે. છેલ્લા બે ત્રણ દિવસથી કેરળ અને તેની આસપાસના વિસ્તારોમાં સતત ધોધમાર વરસાદ પડ્યા બાદ હવામાન વિભાગે ચોમાસું બેસવાની જાહેરાત કરી છે.
 
ગુજરાતમાં ચોમાસું પહોંચવાની અધિકૃત તારીખ 15 જૂન છે અને જો સ્થિતિ સામાન્ય રહી તો રાજ્યમાં તેની આસપાસ જ ચોમાસું ઍન્ટ્રી કરે તેવી સંભાવના દેખાઈ રહી છે.
 
હવામાનનાં વિવિધ મૉડલો અનુસાર ગુજરાતમાં ચોમાસું પહોંચે તે પહેલાં જ વરસાદ શરૂ થવાની શક્યતા છે. સામાન્ય રીતે દરેક રાજ્યમાં ચોમાસા પહેલાં વરસાદી ગતિવિધિ શરૂ થઈ જતી હોય છે અને તે બાદ ચોમાસું પહોંચતું હોય છે.
 
ગુજરાતમાં હાલ અનેક વિસ્તારોમાં ગરમી પડી રહી છે, થોડા દિવસ પહેલાં જ રાજ્યના અનેક વિસ્તારોએ ભીષણ ગરમીની સાથે હીટ વેવનો સામનો કર્યો હતો.
 
ગુજરાતમાં આંધી આવશે?
ગુજરાતના અનેક વિસ્તારોમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ 45થી 50 કિમી પ્રતિકલાક સુધી પહોંચી જતી હતી.
 
હવામાન વિભાગ અનુસાર હજી પણ બે દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાશે અને જૂનની શરૂઆતથી આ પવન ધીમો પડવાની શક્યતા છે.
 
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રે કચ્છ, બનાસકાંઠા, પાટણ અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં ધૂળવાળી આંધી આવવાની ચેતવણી આપી છે.
 
આ વિસ્તારોમાં બે દિવસ સુધી પવનની ગતિ 40થી 50 કિલોમીટર પ્રતિકલાક રહેવાની સંભાવના છે અને તેની સાથે ધૂળ ઊડવાની પણ સંભાવના પણ છે, કેટલાક વિસ્તારોમાં વાતાવરણ ધૂંધળું થતું હોય તેવું લાગશે.
 
ગુજરાતમાં હાલ જે ગરમી પડી રહી છે, તે હજી આવનારા કેટલાક દિવસોમાં ચાલુ રહેશે. તાપમાનમાં વધારે કોઈ ઘટાડો થાય તેવી શક્યતા ખૂબ ઓછી છે. રાજ્યમાં વરસાદ ગતિવિધિઓ શરૂ થયા બાદ તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર