અમદાવાદમાં IPLની મેચ માટે AMTS અને BRTS બપોરના 3થી રાતના 1.30 સુધી સ્પેશ્યલ બસો દોડાવશે

શુક્રવાર, 27 મે 2022 (11:20 IST)
ટાટા ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022ની આ સીઝનમાં ક્વોલિફાયર-2 અને ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. એવામાં લોકોમાં પણ ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. IPLની ફાઈનલ માટે અંદાજે 1 લાખ જેટલી ટિકિટો વેચાઈ ગઈ છે, જ્યારે ક્વોલિફાયર મેચમાં પણ મોટી સંખ્યામાં દર્શકો ઉપસ્થિત રહી શકે છે. એવામાં ATMS અને BRTS દ્વારા દર્શકોની સુવિધા માટે સ્ટેડિયમ સુધી અને ત્યાંથી પાછા ઘરે જવા માટે સ્પેશ્યલ બસો મૂકવામાં આવી છે. અમદાવાદમાં આવતીકાલે 27મીએ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ વચ્ચે ક્વોલિફાયર-2 મેચ રમાવાની છે, આ મેચના વિજેતાની રવિવારે 29મી મેએ ગુજરાત ટાઈટન્સ સાથે ટક્કર થશે. IPLની મેચોની લઈને લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેને લઈને AMTS તથા BRTS દ્વારા સ્ટેડિયમ સુધી આવવા તથા જવા માટે બપોરના 3 વાગ્યાથી રાતના 1.30 વાગ્યા સુધી બસની સુવિધા આપવામાં આવશે. BRTS દ્વારા ટાટા આઈપીએલની ક્વોલિફાયર-2 મેચ માટે 27મીએ બપોરે 3 વાગ્યાથી 5 રૂટ પર 56 બસો મૂકવામાં આવી છે, જેમાં નારોલથી ઝુંડાલ સર્કલ માટે 26 બસ, એલ.ડી કોલેજથી ઝુંડાલ સર્કલ સુધી 24 બસ ઈસ્કોનથી વિસત સર્કલ સુધી 6 બસ મૂકવામાં આવી છે. આવી જ રીતે મેચ ખતમ થયા બાદ પાછા જવા 25 બસો મૂકવામાં આવી છે, જેમાં સાબરમતિ પોલીસ સ્ટેશનથી નારોલ, સાબરમતિ પોલીસ સ્ટેશનથી ઈસ્કોન ક્રોસ રોડ, સાબરમતિ પોલીસ સ્ટેશનથી આરટીઓ સર્કલ રૂટનો સમાવેશ થાય છે. આ બસ સુવિધા રાત્રે 11 વાગ્યાથી 1.30 વાગ્યા સુધી મળશે. આવી જ રીતે ફાઈનલ મેચ માટે રવિવારના રોજ સ્ટેડિયમ સુધી પહોંચવા 71 બસો મૂકવામાં આવી છે. જેમાં નારોલથી ઝુંડાલ સર્કલ માટે 26 બસ, નારોલથી વિસત સર્કલ માટે 6 બસ એલ.ડી કોલેજથી ઝુંડાલ સર્કલ સુધી 24 બસ, ઈસ્કોનથી વિસત સર્કલ સુધી 7 બસ અને નહેરુનગરથી વિસત સર્કલ સુધી 8 બસો મૂકવામાં આવી છે. મેચ પૂરી થયા બાદ પાછા જવા સ્ટેડિયમતી વિવિધ રૂટ માટે 48 બસો મૂકવામાં આવી છે. ઉપરાંત મેચ પૂર્ણ થયા બાદ ભીડની સંભાવનાને પગલે સાબરમતી પોલીસ સ્ટેશન ખાતેથી અલગ ટિકિટ કાઉન્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.અમદાવાદમાં IPLની મેચના પગલે 27 અને 29 મેના દિવસે ATMS દ્વારા હયાત 10 રૂટ પર બપોરના 3 વાગ્યાથી 54 બસો દોડાવાશે તથા વધુ 4 સ્પેશ્યલ રૂટ પર 12 બસો દોડાવાશે. આવી જ રીતે રાત્રે પાછા જવા માટે રાત્રે 11 વાગ્યાથી 1.30 વાગ્યા સુધીમાં 5 નાઈટ રૂટ પર 50 બસો દોડાવવામાં આવશે. આમ કુલ 19 રૂટ પર 116 બસો દોડાવવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર