Bhagwant Mann: પંજાબમાં આજથી AAPની સરકાર, ભગવંત માન બન્યા રાજ્યના 17મા મુખ્યમંત્રી

બુધવાર, 16 માર્ચ 2022 (14:59 IST)
પંજાબ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. પંજાબના નવા ચીફ એટલે કે મુખ્યમંત્રી આજે મળી ગયા છે. રાજ્યમાં આજથી આમ આદમી પાર્ટી (AAP)ની સરકાર આવી ગઈ છે. વિધાનસભા ચૂંટણીમાં તેમની ઐતિહાસિક જીત બાદ ભગવંત માને આજે પંજાબના 17મા મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા. રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે મહાન સ્વાતંત્ર્ય સેનાની ભગતસિંહના વતન ગામ ખટકર કલાન ખાતે ભગવંત માનને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા.

 
આ સાથે જ 49 વર્ષના ભગવંત માન પંજાબના બીજા સૌથી યુવા મુખ્યમંત્રી બની ગયા છે. ભગવંત માન પહેલા પ્રકાશ સિંહ બાદલે 43 વર્ષની વયે સીએમ પદની શપથ લીધી હતી. 
 
આ અવસર પર આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ, દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોસિયા, ગોપાલ રાય, રાઘવ ચઢ્ઢા સહિત આમ આદમી પાર્ટીના તમામ મોટા નેતા હાજર રહ્યા. શપથ ગ્રહણ સમારંભમાં મોટી સંખ્યામાં સામાન્ય જનતાએ પણ ભાગ લીધો. 

ઉલ્લેખનીય છે કે, શપથગ્રહણ પહેલા ભગવંત માને ટ્વીટ કરીને કહ્યું હતું કે, 'સૂર્યનું સોનેરી કિરણ આજે એક નવી સવાર લઈને આવ્યું છે. શહીદ ભગત સિંહ અને બાબા સાહેબના સપનાને સાકાર કરવા માટે આખું પંજાબ આજે ખટકર કલાન ખાતે શપથ લેશે. શહીદ ભગતસિંહજીના વિચારોની રક્ષા કરવા હું તેમના વતન ગામ ખટકર કલાં જવા રવાના થઈ રહ્યો છું.

 
ઉલ્લેખનીય છે કે પંજાબના વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને પ્રચંડ જનાદેશ મળ્યો છે. રાજ્યની 117 વિધાનસભામાં આમ આદમી પાર્ટીને 92 સીટો પર જીત મળી. કોંગ્રેસને 18 સીટો મળી. ચૂંટણીમાં આપની લહેરની વચ્ચે શિરોમણી અકાલી દળને ત્રણ સીટો, ભાજપાને 2 સીટો મળી. બહુજન સમાજ પાર્ટી એક સીટ જીતવામાં સફળ રહી. 
 
આ ચૂંટણીમાં ચરણજીત સિંહ ચન્ની, નવજોત સિંહ સિદ્ધુ, પ્રકાશ સિંહ બાદલ, સુખબીર સિંહ બાદલ, અમરિંદર સિંહ સહિત ઘણા મજબૂત નેતાઓ પણ પોતાની સીટ બચાવી શક્યા નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર