ભગવંત માન : પંજાબમાં વિપક્ષને પરાસ્ત કરનારા નેતા, જેમણે શરાબ પીને ભાષણ આપ્યું હતું

ગુરુવાર, 10 માર્ચ 2022 (16:12 IST)
એક મોકા આપનુ'ના નારા સાથે ચૂંટણીજંગમાં ઊતરેલી પાર્ટીના 'ઝાડુ'એ વિપક્ષને સાફ કરી દીધો હોય, તેમ વલણ પરથી જણાય છે.
 
આમ આદમી પાર્ટીએ સંગરૂરની બેઠક પરથી બીજી વખતના સંસદસભ્ય ભગવંત માનને ઉમેદવાર બનાવ્યા છે. તેઓ પાર્ટીના પંજાબ એકમના વડા પણ છે. કૉમેડિયન તરીકે રાજકારણીઓને ટૉન્ટ મારનાર માન પોતે રાજકારણી બન્યા છે અને પંજાબના મુખ્ય મંત્રીપદની નજીક પહોંચ્યા છે.
 
માનની રાજકીય કારકિર્દીનો ગ્રાફ ચઢાવ-ઉતારથી ભરપૂર રહ્યો છે. આપમાં જોડાયા તે પહેલાં તેઓ બીજા પક્ષમાં હતા અને એક વખત આપ સાથે પણ છેડો ફાડી ચૂક્યા છે, તો કૉલેજકાળ દરમિયાન તેઓ અન્ય પક્ષની વિચારધારાથી પ્રેરિત હતા.
માનની ઉપર શરાબ પીને સાર્વજનિક કાર્યક્રમો તથા સંસદભવનમાં પહોંચવાના આક્ષેપ પણ થયા છે. જોકે, જાન્યુઆરી-2019થી તેમણે જાહેરમાં આ આદત છોડવાની વાત કરી છે.
 
જમીન સાથે જોડાયેલા નેતા
માનને ભાષણ આપવાનો નાનપણથી જ શોખ હતો, તેઓ લાકડા કાપતી વખતે, ખેતરમાં કામ કરતી વખતે કુહાડી કે પાવડાના હાથાને જ માઇક બનાવીને ભાષણ આપવા લાગતા હતા, પરંતુ તેઓ રાજનેતા કે કૉમેડિયન બનશે તે વાતનો કોઈને અંદાજ ન હતો.
 
માનની દિનચર્યા અખબાર વાંચવાથી શરૂ થાય છે અને તેઓ માત્ર પંજાબની રાજધાનીમાંથી પ્રકાશિત અખબાર નથી વાંચતા, પરંતુ અખબારોના દરેક સંસ્કરણ પર નજર ફેરવી લે છે. જેથી રાજ્યના કયા ખૂણામાં શું ઘટી રહ્યું છે તથા કઈ જગ્યાએ કયો મુદ્દો ઉઠાવી શકાય તેમ છે, તેનાથી વાકેફ રહે છે.
 
માનને તેમના મિત્રો તથા પાર્ટીના કાર્યકર્તાના મોબાઇલ નંબર મોઢે હોય છે અને સીધો જ તેમને ફોન જોડે છે.
 
 
AAPના નહોતા માન
 
કૉલેજકાળ દરમિયાન માન ડાબેરી વિચારધારાથી પ્રેરિત હતા. પંજાબમાં કૉંગ્રેસ તથા અકાલીદળના વિકલ્પરૂપે બલવંતસિંહ રામૂવાલિયાની 'લોક ભલાઈ પાર્ટી'નો વ્યાપ વધારવા માટે પ્રયાસ કર્યા. પ્રોફેશનલ કલાકાર તરીકે તેમણે અનેક પાર્ટીના મંચો પરથી સંબોધનો કર્યા,પરંતુ કદી કોઈનું સભ્યપદ ગ્રહણ નહોતું કર્યું.
 
પંજાબના જલંધર ખાતે રાજ્યના કૃષિવિજ્ઞાની સરદારસિંહ જોહલ દ્વારા જાહેર મુદ્દા અંગે એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં માન સામેલ થયા હતા. જ્યાં તેમની મુલાકાત મનપ્રીતસિંહ બાદલ સાથે થઈ. તેમણે માનને સક્રિય રાજકારણમાં આવવા પ્રેરિત કર્યા.
 
મનપ્રીત તત્કાલીન બાદલ સરકારમાં નાણામંત્રી હતા અને મુખ્ય મંત્રી પ્રકાશસિંહના ભત્રીજા પણ થાય. માર્ચ-2011માં મનપ્રીતે બળવો પોકાર્યો. તેમણે પંજાબમાં 'પીપલ્સ પાર્ટી'ની સ્થાપના કરી. માન સક્રિય રાજકારણમાં આવી ગયા અને પાર્ટીના સ્થાપકસભ્યોમાંથી એક બન્યા.
 
ફેબ્રુઆરી-2012માં લહરાગાગા બેઠક પરથી પીપીપીના ઉમેદવાર તરીકે તેઓ કૉંગ્રેસના પૂર્વ મુખ્ય મંત્રી રાજિન્દરકૌર ભટ્ટલ સામે ચૂંટણીજંગમાં ઊતર્યા અને હારી ગયા. 2012ની એ ચૂંટણીમાં પીપીપીને એક પણ બેઠક ન મળી.
 
પહેલાં કૉંગ્રેસ અને પછી શિરોમણિ અકાલીદળ-ભાજપ સરકાર બનાવે તેવા ક્રમનો ભંગ થયો. સતત બીજી વખત અકાલીદળે સરકાર બનાવી. આ પછી મનપ્રીતસિંહ બાદલે કૉંગ્રેસમાં જવાની તૈયારી હાથ ધરી, ત્યારે માને પણ તેમની પાછળ-પાછળ કૉંગ્રેસમાં જવાને બદલે ભ્રષ્ટાચારવિરોધી આંદોલનમાંથી જન્મેલી દિલ્હીની આમ આદમી પાર્ટીમાં જોડાવાનું નક્કી કર્યું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર