જાણો રડતા દાદી અને પૌત્રીની વાયરલ તસ્વીર પાછળની હકીકત

શુક્રવાર, 24 ઑગસ્ટ 2018 (12:14 IST)
શહેરનાં એક જાણીતા ફોટો પત્રકારે 19 ઓગસ્ટે વર્લ્ડ ફોટોગ્રાફી ડેનાં દિવસે પોતાનાં કેરિયરનો સૌથી સુંદર ફોટો સોશિયલ મિડિયા પર શેર કર્યો હતો. પરંતુ આ ફોટો થોડાક જ સમયમાં એટલો બધો વાયરલ થયો કે જાણીતી નામચીન હસ્તીઓ દ્વારા તેનાં પર કોમેન્ટો પણ આવવાની શરૂ થઇ ગઇ. છેલ્લાં બે દિવસથી એક તસ્વીર સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે. ત્યારે આ તસ્વીરમાં એક સ્કૂલની વિદ્યાર્થી અને એક વૃદ્ધ મહિલા રડતી જોવા મળી રહી છે. આ તસ્વીર પાછળની એક કહાની પર શેર કરવામાં આવી રહી છે. 
તસ્વીર પાછળની જે કહાની છે તેનાં કારણે આ ઘણી ચર્ચાસ્પદ બની છે. આ તસ્વીર અમદાવાદની છે. તસ્વીર સાથે લખવામાં આવ્યું છે કે, એક સ્કૂલે પોતાનાં ત્યાં ભણતા બાળકો માટે એક વૃદ્ધાશ્રમમાં ટૂરનું આયોજન કર્યું હતું. આ સમયે એક યુવતીએ પોતાની દાદીમાને જોયા હતાં. જ્યારે આ બાળકી પોતાનાં માતા-પિતાને દાદીમાં વિશે પૂછતા તો તેને કહેવામાં આવતું હતું કે તે પોતાનાં સંબંધીઓને ત્યાં રહેવા ગઈ છે. આપણે આ કેવા પ્રકારનો સમાજ બનાવી રહ્યાં છીએ? આ ભાવુક કરી દેનાર સંદેશા સાથેનો યુવતી અને દાદીનો ફોટો જોત-જોતામાં વાયરલ થઇ ગયો છે. તેમાં શું ખાસ છે કે છેલ્લાં બે દિવસથી ટ્વિટર હોય કે ફેસબુક દરેક લોકોનાં ટાઇમલાઇન પર આ ફોટો જોવા મળી રહ્યો છે. 
દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ક્રિકેટર હરભજન સિંહે પણ પોતાનાં ફેસબુક અને ટ્વિટર પર આ ફોટો શેર કર્યો છે. આ ફોટો હાલ ભલે વાયરલ થઈ રહ્યો હોય પણ આ ફોટો 11 વર્ષ જૂનો છે એટલે કે 2007નો છે. આ ફોટો 2007માં અમદાવાદનાં ફોટોગ્રાફર કલ્પિત ભચેચે એક વૃદ્ધાશ્રમમાં આ ફોટો પાડ્યો હતો. જ્યાં દાદી અને યુવતીનું મિલન થાય છે. જો કે દાદીમાંએ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે પોતાની મરજીથી વૃદ્ધાશ્રમમાં આવ્યાં છે. આ ઘટના સાચી છે પણ હાલની નથી. આ ફોટોમાં જોવા મળતી યુવતી હાલ મોટી થઈ ગઈ છે અને તેનાં દાદીમાં પણ એકદમ સ્વસ્થ છે. દાદીમાં ક્યારેક વૃદ્ધાશ્રમમાં તો ક્યારેય ઘરે રહે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર