પાકિસ્તાનના લાહોરમાં બુધવારે જમાત-ઉદ-દાવાના વડા હાફિઝ સઈદના ઘરની બહાર કાર બોમ્બ વિસ્ફોટમાં ત્રણ લોકો માર્યા ગયા અને 20 થી વધુ ઘાયલ થયા. પોલીસના જણાવ્યા અનુસાર, ધડાકો જોહર ટાઉનની બીઓઆર સોસાયટીમાં સઈદના ઘરની બહાર આવેલી પોલીસ ચેક પોસ્ટમાં થયો હતો. પંજાબ પોલીસ વડાએ કહ્યું કે જો સઈદના ઘરની બહાર પોલીસ ચોકી ન હોત તો આ ઘટનાને લીધે "મોટું નુકસાન" થતુ .
પોલીસ મહાનિર્દેશક (પંજાબ) ઇનામ ગનીએ પત્રકારોને જણાવ્યું હતું કે વિસ્ફોટમાં ત્રણ લોકો માર્યા ગયા અને 20 થી વધુ લોકો ઘાયલ થયા. Dawnના અહેવાલ મુજબ, આ વિસ્ફોટ લાહોરના જૌહર શહેરમાં થયો હતો. વિસ્ફોટમાં ઘાયલ થયેલા કેટલાક લોકોને જિન્ના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અધિકારીઓ વિસ્ફોટ પાછળનું કારણ જાણવા પ્રયાસ કરી રહ્યા છે. ઘટના સ્થળે ઉપસ્થિત શહેર નાયબ કમિશનર મુદાસિર રિયાઝ મલિકે જણાવ્યું હતું કે ઈજાગ્રસ્તોમાં મહિલાઓ અને બાળકો પણ છે. રિયાઝે જણાવ્યું હતું કે આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને અધિકારીઓ વિસ્ફોટના કારણ શોધવા માટે કામ કરી રહ્યા છે. લાહોર પોલીસ અધિકારી (સીસીપીઓ) ગુલામ મહેમૂદ ડોગરે જણાવ્યું હતું કે ઘાયલોને વધુ સારવાર માટે જિન્ના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.