ઈદ ઉલ અઝહા પહેલા અફગાનિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટ, 17ના મોત 30 ઘાયલ

શુક્રવાર, 31 જુલાઈ 2020 (08:59 IST)
અફઘાનિસ્તાનના લોગર પ્રાંતમાં શક્તિશાળી કાર બૉમ્બવિસ્ફોટ થયો છે, જેમાં ઓછામાં ઓછા 17 લોકોનાં મૃત્યુ થયાં છે. તાલિબાને ઈદના અનુસંધાને સંઘર્ષવિરામની જાહેરાત કરી હતી, તેની વચ્ચે આ વિસ્ફોટ થયો છે.
 
તાલિબાને આ હુમલા પાછળ તેનો હાથ હોવાની વાતને નકારી કાઢી છે, જ્યારે ઇસ્લામિક સ્ટેટે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા નથી આપી.લોગરના ગવર્નરના પ્રવક્તા દેદાર લવાંગે સમાચાર સંસ્થા એ.એફ.પી. (એજન્સી ફ્રાન્સ પ્રેસ)ને જણાવ્યું કે આત્મઘાતી બૉમ્બર દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હોવાની શક્યતા છે.
 
આ વિસ્ફોટ ગવર્નરની કચેરીની પાસે થયો હતો, જ્યાં અનેક લોકો તહેવારની ખરીદી કરી રહ્યા હતા. ગૃહપ્રધાનના પ્રવક્તા તારિક અરયાનના કહેવા પ્રમાણે, "ઈદ અલ-અધાની રાત્રે આતંકવાદીઓ ફરી એક વખત ત્રાટક્યા હતા અને આપણા અનેક દેશવાસીઓની હત્યા કરી હતી."
 
તાલિબાનના પ્રવક્તા ઝૈબીહુલ્લા મુજાહિદ્દના કહેવા પ્રમાણે, આ હુમલાને અને તેમના જૂથને કોઈ 'લેવા-દેવા' નથી.તાલિબાન અને અફઘાન સરકાર વચ્ચે ત્રણ દિવસના સંઘર્ષવિરામ માટે સહમતી થઈ હતી. જેની શરૂઆત શુક્રવારે ઈદના પ્રથમ દિવસે થઈ રહી છે.
 
સંઘર્ષના કાયમી નિવારણની આશા છે, પરંતુ કેદીઓના આદાનપ્રદાનને મુદ્દે વાટાઘાટો પાછળ ધકેલી દેવાઈ હતી. અગાઉ સધાયેલી સહમતી મુજબ સરકાર દ્વારા પાંચ હજાર તાલિબાન કેદીઓને મુક્ત કરવામાં આવશે, જેની સામે એક હજાર સુરક્ષાકર્મીઓને મુક્ત કરાશે.અફઘાન સરકારે 4400 કરતાં વધુ તાલિબાન કેદીઓને મુક્ત કર્યા છે. ગુરુવારે ઉગ્રપંથીઓના પ્રવક્તાએ દાવો કર્યો હતો કે 1005 સરકારી બંદીઓને છોડી મૂકવામાં આવ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર