Surat News - સુરતમાં સ્મીમેર હોસ્પિટલમાંથી મહિલાએ બાળકનું અપહરણ કર્યું, ઘરે લઈ જઈને નવા કપડાં પહેરાવ્યા

મંગળવાર, 27 જૂન 2023 (12:22 IST)
સુરતમાં લગ્નના છેલ્લા 20 વર્ષ છતાં બાળક ન થતા સ્મીમેર હોસ્પિટલમાંથી એક ચાર વર્ષીય બાળકનું અપહરણ કરી મહિલા પોતાના ઘરે લઇ ગઇ હતી. જ્યાં મહિલાએ બાળક મળવાનો ઉત્સવ પણ મનાવ્યો હતો. બે જ કલાકમાં બાળકને ઘરે લાવી નવા કપડાં પહેરાવી કુમકુમ પગલા કરાવ્યા અને આજુબાજુમાં મીઠાઇ પણ વહેંચી હતી. પરંતુ મોટી વાત એ હતી કે, આસપાસના લોકોને મીઠાઇ વહેંચવાનું રાઝ ત્યારે ખબર પડી કે જ્યારે પોલીસે મોડી રાત્રિએ મહિલાની બાળકના અપહરણ મામલે ધરપકડ કરી હતી.

સુરતના વરાછામાં અર્ચના સર્કલ ખાતે આવેલા વિજયનગરમાં ભાડેથી રહેતા અને મૂળ રાજસ્થાનના વતની શંકર ભવરલાલ પ્રજાપતિ છેલ્લા ઘણા સમયથી બોમ્બે માર્કેટમાં સાડીની દુકાનમાં કામ કરતા હતા. તેમની ઉંમર 48 વર્ષ છે. તેમની પત્ની સીમા પ્રજાપતિની ઉંમર 45 વર્ષ છે અને તે ગૃહિણી હતા. તેમના લગ્નને 20 વર્ષ થયા છતાં તેમને કોઇ સંતાન ન હતું. જેથી સંતાન પ્રાપ્તિની ઘેલછા આ દંપતીને ગુનાના માર્ગ પર લઇ ગઇ હતી. વર્ષોની બાળકની તેમની ઇચ્છા પૂરી કરવા ચાર વર્ષના બાળકનું સ્મીમેર હોસ્પિટલમાંથી અપહરણ કર્યું હતું.સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાંથી શનિવારે બપોરે 3:45 વાગ્યે 4 વર્ષના બાળકનું સીમા પ્રજાપતિ અપહરણ કર્યું હતું.

પ્રસુતિની સારવાર માટે આવેલી ગૌમતી ગૌડ નામની ગર્ભવતીની સારવાર ચાલી રહી હતી અને તેને વધુ એક પુત્રને જન્મ આપ્યો હતો. આ દરમિયાન મહિલાનો અન્ય 4 વર્ષીય પુત્ર પરિવારજનો સાથે હોસ્પિટલ આવ્યો હતો. ત્યારે હોસ્પિટલમાં રમતો 4 વર્ષીય પુત્રનું અજાણી મહિલા હોસ્પિટલમાંથી અપહરણ કરીને ફરાર થઇ ગઇ હતી. એક તરફ પુત્રનો જન્મ અને બીજી તરફ મોટા દીકરાનું અપહરણ થતા પરિવાર ચિંતામાં મુકાઇ ગયો હતો. હોસ્પિટલમાં તપાસ કરતા પરિવારને જાણ થઇ કે એક મહિલા તેમના બાળકને લઇને જતી રહી છે. જોકે, ત્રણ કલાક સુધી હોસ્પિટલમાં તપાસ કર્યા બાદ અંતે પરિવાર વરાછા પોલીસ મથક 7:45 વાગ્યે પહોંચ્યું હતું અને માહિતી આપતા જ પોલીસે જુદી જુદી ટીમો બનાવી રાત્રે 12 વાગ્યાની આસપાસ અપહરણ કરનાર દંપતી સુધી પહોંચી ગઇ હતી અને તેમની ધરપકડ કરી બાળકને સહી સલામત પરિવારને સોંપ્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર