અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝિગ્નેટેડે ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં એક હૃદયસ્પર્શી કિસ્સો સર્જાયો હતો. ગત અઠવાડિયે ઓટો રિક્ષામાં બેસી સારવાર અર્થે આવેલાં કોમલબેન આજે સાજા થઇ ઓટો રિક્ષામાં પરિવાર સાથે પાછા ફર્યા છે. આ બંને ઘટના વચ્ચે ફરક એટલો જ હતો કે, આવ્યાં ત્યારે મરણપથારીએ હોય તેવી અનુભૂતિ સાથે હોસ્પિટલમાં દાખલ થયાં હતાં અને ડિસ્ચાર્જ થયાં ત્યારે "ચાલ જીવી લઈએ"નો મંત્ર લઈને પરિવાર સાથે હસતાં મોઢે સ્વગૃહે પરત ફર્યા.
આ દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદી તેમની ટીમ સાથે કેમ્પસમાં રાઉન્ડ પર નીકળ્યા હતા. ડૉ. મોદીની નજર ઓટો રિક્ષામાં બેસેલાં કોમલબેન પર પડી. તેમની શારિરીક સ્થિતિ દૂરથી જ ગંભીર જણાતી હતી. પરિણામે, ડૉ. મોદી ત્યાં દોડી ગયા અને તેમની ટીમને ઓક્સિજન લેવલ ચકાસવા કહ્યું. ઓક્સિજન સ્તર ૫૦ ટકા જેટલું જણાઇ આવતા સુપ્રિન્ટેન્ડેન્ટે તેમની ટીમને કોમલબેનને તરત જ ટ્રાયેજ વિસ્તારમાં લઇ જઈ, પ્રોગ્રેસિવ સારવાર આપવા આદેશ આપ્યો.
ક્ષણનો પણ વિલંબ કર્યા વિના ડૉ. કાર્તિકેય પરમાર અને તેમની ટીમ કોમલબેનને ટ્રાયેજ એરિયામાં લઇ ગયા. અને ત્યાં કોમલબેનના અન્ય શારિરીક માપદંડો તપાસતા તેમને આઇ.સી.યુ.માં દાખલ કરવામાં આવ્યાં. આઇ.સી.યુ.માં દાખલ કર્યા બાદ તબીબો દ્વારા કોમલબેનની પ્રોગેસિવ સારવાર શરૂ કરવામાં આવી. કોમલબેનને મળેલી સઘન સારવાર બાદ તેમની શારીરિક સ્થિતિમાં મહદઅંશે સુધારો થતો જોવા મળ્યો. અને ફક્ત છ દિવસના ટૂંકા ગાળામાં તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ થઇને હસતા મુખે ઘરે પરત ફર્યા છે.
કોમલબેન સાજા થઇને ઘરે પરત ફરતી વેળા લાગણીસભર સ્વરે કહે છે કે, હું હોસ્પિટલમાં આવી ત્યારે જીવવાની આશા જ છોડી ચૂકી હતી. હોસ્પિટલમાં દાખલ થતા જ મરણપથારીએ હોવ તેવું ભાસી રહ્યું હતું. ઓક્સિજન ઘટી જવાના લીધે મને વધુ કંઇ યાદ નથી, પરંતુ એટલું જરૂર યાદ છે કે ઓટો રિક્ષામાં હતી ત્યારે ડૉક્ટરના કપડાંમાં કોઇક માણસ મારું ઓક્સિજન તપાસી રહ્યો હતો. તેની સાથે બીજા બે-ત્રણ લોકો હતા. ત્યારે કોઇકે મને તરત અંદર દાખલ કરવા કહ્યું હતું. પાછળથી ભાનમાં આવ્યા બાદ મને ખબર પડી કે તે માણસ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ હતા. મારા માટે તો આ નવું જીવન છે. જે સિવિલ હોસ્પિટલના તબીબો અને અન્ય આરોગ્યકર્મીઓના કારણે મને પાછું મળ્યું છે.