આરોપી સામે સાંસદના ભાઈનો બંગલો પચાવી પાડવાના કેસમાં DCB ખાતે IPCની કલમ 406, 420, 170, 120B વગેરે અંતર્ગત ગુનો નોંધાયો હતો. આ ઉપરાંત આરોપી સામે સોલા, વડોદરા, નરોડા અને બાયડ પોલીસમથકે ફરિયાદ નોંધાયેલ છે. આરોપીએ જામીન અરજીમાં દર્શાવ્યું હતું કે આરોપીના પરિવારમાં તે એક જ કમાનાર વ્યક્તિ છે. તે ગરીબ છે અને તેની આર્થિક પરિસ્થિતિ નબળી છે. તેની બંને દીકરીઓની ફી ભરવા પૈસાની જરૂર છે.આરોપીએ 35 લાખથી વધુની કિંમતે રિનોવેટ કરવાના બહાના હેઠળ સાંસદના ભાઈના ઘર ઉપર દાવો માંડ્યો હતો. આ કેસમાં આરોપીએ હાઇકોર્ટમાં જામીન અરજી કરીને પરત ખેંચી હતી. પોલીસે આરોપીના જામીન વિરુદ્ધ એફિડેવિટ ફાઈલ કરી હતી. જેમાં જણાવ્યું હતું કે આરોપી ગુના કરવાની ટેવવાળો છે. જામીન મળે તો ભાગી જાય તેમ છે. તેની પત્ની માલિનીને જામીન મળી ચૂક્યા છે જે આર્થિક વ્યવસ્થા કરવા સક્ષમ છે. સગા અને મિત્રો પાસેથી પૈસા લેવા આરોપીની જરૂર નથી.સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે આરોપીની જામીન અરજીનો વિરોધ કરતા જણાવ્યું હતું કે ઉધાર પૈસા લેવા આરોપીના જામીન જરૂરી નથી. આ જામીન માટેનું વાજબી કારણ નથી. જજ હેમાંગ પટેલની કોર્ટે આરોપીના જામીન નકારી નાખતા આરોપીને ટ્રાયલમાં સહકાર આપવા અને ઝડપી ટ્રાયલ ચલાવવા આદેશ કર્યો હતો.