જો બઘું જ હેમખેમ પાર પડ્યું તો એવું કહેવાય છે કે સુરતથી ટુંક સમયમાં શારજાહ સુધીની પ્રથમ ઈન્ટરનેશનલ ફ્લાઈટ ઉડાન ભરશે. લાંબા સમયથી સુરતને ઈન્ટરનેશનલ એરપોર્ટનું ટેગ મળે તેવા પ્રયાસો ચાલી રહ્યા છે, એર ઈન્ડિયા એક્સપ્રેસે ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરવાની તૈયારી દર્શાવી છે.સુરત એરપોર્ટ એક્શન કમિટીના સંજય ઈઝાવાએ કહ્યું કે, એર ઈન્ડિયા એક્સપ્રેસના અધિકારીઓ સાથે ઘણી બધી મીટિંગ બાદ અંતે શારજાહ-સુરત-શારજાહ ફ્લાઈટ શરૂ કરવાનું નક્કી કરાયું છે. અમારે દુબઈ સુધીની ફ્લાઈટ શરૂ કરવી હતી પરંતુ એર ઈન્ડિયા એક્સપ્રેસનો બેઝ શારજાહમાં છે એટલે તેમણે ત્યાંથી શરૂ કરવાનું નક્કી કર્યું. એર ઈન્ડિયા એક્સપ્રેસને સ્લોટ માટે શારજાહમાંથી જૂરી મળી ગઈ છે. હવે ભારતના DGCAનીમંજૂરીની રાહ જોવાય છે. સંજય ઈઝાવાએ વધુમાં કહ્યું કે, એર ઈન્ડિયા એક્સપ્રેસના CEO શ્યામ સુંદર સાથે 14 મેના રોજ મારી મુલાકાત થઈ હતી. તેમની સાથે તમામ ચર્ચા કરવામાં આવી છે. તેમણે કોચી-સુરત-કોચી ફ્લાઈટ શરૂ કરવામાં પણ રસ દર્શાવ્યો છે. આ વર્ષે 9 જૂને સુરતને કસ્ટમ્સ એરપોર્ટનું ટેગ મળ્યું અને 11 જૂને શારજાહને અરજી કરાઈ જે મંજૂર રાખી છે. એર ઈન્ડિયા અને સ્પાઈસ જેટની સર્વિસ એરપોર્ટ પર કાર્યરત છે. જો કે 2014માં સ્પાઈસ જેટના એરક્રાફ્ટે ભેંસને ટક્કર મારતાં તેની સેવાઓ સસ્પેંડ કરાઈ હતી. 2017માં સ્પાઈસ જેટે ફરીથી ફ્લાઈટ શરૂ કરી. સંજય ઈઝાવાએ કહ્યું કે, સ્પાઈસ જેટે સુરતથી દુબઈ વચ્ચે ફ્લાઈટ શરૂ કરવા તૈયારી દર્શાવી છે.