કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કેમ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે.
શુક્રવાર, 1 જૂન 2018 (15:41 IST)
લોકસભાની ચૂંટણી જીતવા અત્યારથી ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસે તૈયારીઓ આદરી છે. ગુજરાત કોંગ્રેસે પણ નવા સંગઠનની રચના બાદ લોકસભાના ઉમેદવારની શોધખોળ કરવાની કવાયત હાથ ધરવા નક્કી કર્યુ છે. આ વખતે સંગઠનના હોદ્દેદારો જ નહીં, મતવિસ્તારની જનતાનો અભિપ્રાય લઇને ઉમેદવારની પસંદગી કરવા સ્ટ્રેટેજી ઘડાઇ છે. સૂત્રોના મતે, ગત વખતે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ફાળે એકેય બેઠક મળી ન હતી. આ વખતે કોંગ્રેસ માટે સારુ ચિત્ર સર્જાયુ છે. વિધાનસભામાં ય બેઠકો વધી છે તે જોતાં કોંગ્રેસને ફાયદો થવાની પૂરેપૂરી શક્યતા જોવાઇ રહી છે. આ કારણોસર કોંગ્રેસે પણ પ્રજાલક્ષી કામ કરનારાં દાવેદારોને ટિકિટ આપવા મન બનાવ્યુ છે. ઉમેદવારો લોકોની પસંદગી હશે. મતવિસ્તારમાં દાવેદારો વિશે અભિપ્રાય લેવાશ. ઉમેદવારોની પસંદગી માટે સિલેક્શન કમિટી ય બનાવવામાં આવશે.જોકે,કેટલાંય ધારાસભ્યો હવે સંસદસભ્ય બનવા ઇચ્છુક છે. ઉલ્લેખનીય છેકે, કુંવરજી બાવળિયા,વિક્રમ માડમ,વિરજી ઠુમર સહિતના ધારાસભ્યો સંસદ સભ્ય રહી ચૂક્યાં છે. જોકે,અત્યારથી જ દાવેદારોએ દિલ્હીના આંટાફેરા શરુ કરી લોબિંગ શરુ કરી દીધું છે. અત્યારે તો જૂનના અંત સુધીમાં તાલુકા-જીલ્લાના માળખાને આખરી ઓપ આપવામાં આવનાર છે ત્યાર બાદ પ્રદેશના માળખાને અંતિમરુપ અપાશે. આ દરમિયાન,લોકસભામાં જુદી જુદી બેઠકો પણ કયા ઉમેદવાર જીતી શકે છે તે અંગે અત્યારથી કોંગ્રેસે મનોમંથન શરુ કરી દીધુ છે. લોકસભાની ચૂંટણીને પગલે કાર્યકરોને માર્ગદર્શન આપવા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી તા.૨૨-૨૩મી જૂને અમદાવાદ આવી શકે છે. સૂત્રોના મતે,ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આમંત્રણને સ્વિકારી રાહુલ ગાંધી ગુજરાતની બે દિવસીય મુલાકાત લશે જેમાં તેઓ વિવિધ સમાજના આગેવાનો,વેપારી મહામંડળના પ્રતિનિધીઓ,સંગઠનના હોદ્દેદારો સાથે તબક્કાવાર બેઠક યોજનાર છે. અત્યારે રાહુલ ગાંધી વિદેશ પ્રવાસે છે. ચાર લોકસભા અને દસ વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામોમાં ભાજપ પરાસ્ત થયુ છે તે અંગે પ્રતિક્રિયા આપતાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યુ કે,વર્ષ ૨૦૧૯ની ચૂંટણી પહેલાંનુ આ ટ્રેલર છે.પેટા ચૂંટણીમાં પ્રજાએ ભાજપને જાકારો આપ્યો છે. દેશમાં જાણે અત્યારથી પરિવર્તનનો વાયરો ફુંકાયો છે.આ પરિણામો ભાજપના નેતાઓના અહંકારનુ પરિણામ છે.