અમદાવાદમાં કમળાનો કોહરામ, ચોંકાવનારા આંકડાએ ખોલી તંત્રની પોલ

બુધવાર, 2 માર્ચ 2022 (20:56 IST)
અમદાવાદમાં કમળાના વકરેલા રોગે કોહરામ મચાવ્યો છે. હેલ્થ વિભાગ મચ્છર અને પાણીથી થનારા રોગોના સત્તાવાર આંકડા જાહેર કરતુ નથી.   ફક્ત કમળાના છેલ્લાં છ વર્ષના સત્તાવાર આંકડા ચોંકાવનારા છે, કેમ કે વર્ષ ૨૦૧૬થી ૨૦૨૧ સુધીમાં મ્યુનિ. તંત્રના ચોપડે જ કમળાના સત્તાવાર ૧૪,૧૮૮ કેસ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે બિનસત્તાવાર આંક મુજબ ૪૨,૦૦૦થી વધુ નાગરિકો આટલા સમયગાળામાં કમળાગ્રસ્ત થઈ ચૂક્યા છે.
 
કમળાના લક્ષણો 
 
કમળાના દર્દીને ઝીણો તાવ આવવો, શરીર તૂટવું, ભૂખ ન લાગવી, ઊલટી-ઉબકા થવા, પેટમાં દુખાવો ઉપરાંત આંખો પીળી દેખાવી જેવી ફરિયાદ થતી હોઈ આવી કહેવત સમાજમાં પ્રચલિત બની છે. અમદાવાદ સ્માર્ટ સિટી બને કે મેગાસિટી કે પછી દેશનું સર્વપ્રથમ હેરિટેજ સિટી બને, પરંતુ સામાન્ય નાગરિકોના રોગચાળા સંબંધિત પ્રશ્નો તો આજેય યથાવત જળવાઈ રહ્યા છે.
 
કમળો કેમ થાય છે ? 
 
કમળો થવાનું મુખ્ય કારણ હિપેટાઇટિસ-એ અને 'ઈ' છે, પરંતુ અમદાવાદમાં હિપેટાઇટિસ-ઈનો કમળો જ મહદઅંશે જોવા મળે છે. આ પ્રકારનો કમળો દૂષિત પાણી અને દૂષિત પાણીથી બનાવેલી ખાદ્ય સામગ્રીથી થાય છે. કમનસીબે તમામ અમદાવાદીઓને આજે પણ પીવાનું શુદ્ધ પાણી મળતું નથી. જ્યાં પાણીનું નેટવર્ક જ ન હોઈ ખાળકૂવા ધમધમે છે. જ્યાં પાણીનું નેટવર્ક છે ત્યાં જૂની લાઇનોથી લીકેજના પ્રશ્નો છે. ગેરકાયદે પાણીનાં જોડાણોથી પણ દૂષિત પાણીની સમસ્યા ઉદ્ભવે છે. ઘણી ખાનગી કંપનીઓ કેબલ બિછાવવા આડેધડ ખોદકામ કરતી હોઈ પાણીની પાઇપલાઇન તૂટવાથી તેમાં ગટરનું પાણી ભળી જવાથી પણ પાણી પીવાલાયક રહેતું નથી. ઊભરાતી ગટરો, ડિસિલ્ટિંગની નબળી કામગીરી, ખાનગી બોર, ક્લોરિનેશનના અભાવથી અવારનવાર દૂષિત પાણી પીને લોકો કમળા જેવા પાણીજન્ય રોગચાળાનો ભોગ બને છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર