સુરતમાં રોડ સેફ્ટી માટે હવે ફિલ્મ બતાવાશે

મંગળવાર, 24 એપ્રિલ 2018 (12:53 IST)
સા
માન્ય નાગરિકોને ટ્રાફિકના નિયમોની યોગ્ય સમજ મળી રહે અને માર્ગ સલામતી અંગે જાગૃત્ત થાય તે માટે અત્યાર સુધી  પોલીસ અધિકારીઓએ રોડ ઉપર ઊભા રહીને ગુલાબ આપ્યા, ચાર રસ્તા ઉપર ભૂંગળામાં સૂચનાઓ આપી, પોસ્ટર્સ, બેનર્સ છપાવ્યા, રીક્ષા પાછળ પોસ્ટર છપાવ્યા, હોર્ડિંગ્સ, લાઈટપોલ્સ ઉપર જાહેરાતો, જેવું કંઇ કેટલુંય કરી ચૂક્યા છે. જોકે, હજુ ધાર્યું પરિણામ મળી શકતું નથી. એટલે, હવે યુવાનોને ફિલ્મ બતાવીને જાગૃત કરવા માટેનો વધુ એક નુસ્ખો અપનાવવાનું નક્કી કર્યું છે. અલબત્ત, રોડ સેફ્ટી વીકમાં તેની શરૂઆત પણ કરી દેવામાં આવી છે.  કેન્દ્ર સરકાર દ્વારા તા.૨૩ થી ૩૦ એપ્રિલ દરમિયાન ૨૯માં રોડ સેફટી વીક-૨૦૧૮ની દેશભરમાં ઊજવણી કરવામાં આવી રહી છે. સુરત આર.ટી.ઓ, સુરત પોલીસ(ગ્રામ્ય) અને એ.આર.ટી.ઓ, બારડોલીના સંયુક્ત ઉપક્રમે સોમવારે પલસાણા ચોકડી ખાતેથી રોડ સેફટી વીકની ઉજવણીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સુરત આર. ટી. ઓ. દ્વારા રોડ સેફટી પ્રોજેક્ટ સંદર્ભે ‘ટ્રાફિક એજ્યુકેશન એન્ડ અવેરનેસ પ્રોગ્રામ’ હેઠળ એક વિશિષ્ટ પ્રકારની વાન ‘ટીમવાન’ તૈયાર કરવામાં આવી છે. જેમાં રખાયેલા ઓડિયો વિઝ્યુઅલ સાધનો તેમજ વિશાળ એલઈડી સ્ક્રીન દ્વારા ટ્રાફિક નિયમો અંગે ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને ફિલ્મ નિદર્શનથી માહિતી આપવામાં આવશે. વાહનચાલકોને માર્ગ સલામતીના નિયમો, રસ્તા પરના ચિન્હો, ટ્રાફિક લાઈટ નિયમ, સીટ બેલ્ટ તેમજ હેલ્મેટ પહેરવા અંગે સમજ પૂરી પડાશે. જનજાગૃતિ અભિયાનના પ્રારંભ પ્રસંગે બારડોલી એ.આર.ટી.ઓના અધિકારી જે.આર. ચૌધરીએ પ્રાસંગિક સંબોધન કરતાં જણાવ્યું હતું કે, અકસ્‍માતો ન થાય તે માટે હંમેશા ટ્રાફિકના નિયમોનું પાલન સ્‍વયં શિસ્‍તથી કરવું જોઈએ. વાહનચાલકોને એક જાગૃત નાગરિક તરીકે પોતાની જવાબદારી સમજી ટ્રાફિકના નિયમોની પૂરી જાણકારી હોવી જરૂરી છે. સલામતીપૂર્વક વાહન હંકારવાથી અકસ્‍માતો નિવારી શકાય છે. શહેરોના નાગરિકોની સાથે સાથે ગામડાના લોકોમાં પણ માર્ગ સલામતી અંગે  જાગૃત્તિ કેળવાય તે જરૂરી છે. આ માટે ગામડાના સરપંચોએ પોતપોતાના ગામોમાં રોડ સેફટી કમિટીની રચના કરી ગામના જાગૃત્ત યુવાનો અને શાળાના વિદ્યાર્થીઓને સામેલ કરી સરકારના માર્ગ સલામતીના ઉદ્દેશોને પાર પાડવા માટે સહયોગી બનવાનો તેમણે અનુરોધ કર્યો હતો.  
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર