પ્રતિકુળ હવામાનનાં કારણે કેસર કેરીનો ૭૦થી ૮૦ ટકા પાક નાશ પામ્યો

શુક્રવાર, 30 માર્ચ 2018 (15:05 IST)
તાલાલા પંથકમાં પ્રતિકુળ હવામાનનાં કારણે કેસર કેરીનો ૭૦થી ૮૦ ટકા પાક નાશ પામ્યો છે. જેથી તાકિદે કેસર કેરીના નાશ પામેલ પાકનો સર્વે કરાવીને ઉત્પાદક કિશાનોને નિષ્ફળ ગયેલા પાકનું વળતર આપવાની માંગણી કરતો ઠરાવ તાલાલા તાલુકા પંચાયતની સામાન્ય સભાએ સર્વાનુમતે પસાર કરી રાજ્ય સરકારમાં રજૂઆત કરી છે.  તાલાલ તાલુકા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ ડાયાભાઇ વઘાસીયાના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ બેઠકમાં તાલાલા પંથકના ખેડૂતોની જીવાદોરી સમાન કેસર કેરીના પાકને ચાલુ વર્ષે ગ્લોબલ વોર્મીંગની વ્યાપક અસર થતા ૭૦થી ૮૦ ટકા નાશ પામ્યો હોવા અંગે ચિંતા વ્યકત કરીને તાલાલ પંથકના કેશર કેરીના ઉત્પાદક કિશાનોને નાશ પામેલા પાકનું યોગ્ય વળતર આપવાની માંગણી કરતો ઠરાવ કરવામાં આવ્યો હતો. તાલુકા પંચાયતની સામાન્ય સભાના ઠરાવમાં ઉમેર્યું હતું કે, તાલાલા પંથકના છેલ્લા પાંચ વર્ષથી અનુકુળ આબોહવાના અભાવે કેસર કેરીના પાકને ઓછા વધતા પ્રમાણમાં નુકશાન થાય છે. પરંતુ આ વર્ષે તો કેસર કેરીનો મોટાભાગનો પાક નાશ પામ્યો છે. પાકને ગ્લોબલ વોર્મીંગથી વ્યાપક નુકસાન થયું હોવાનું જુનાગઢ ખાતેના કૃષિ વ્યવસાયિકોએ પણ તેમના અહેવાલમાં નોંધ્યું હોવાના ઉલ્લેખ સાથે ઠરાવમાં ઉમેર્યું છે કે, તાલાલા પંથકનો મુખ્ય પાક કેસર કેરી છે. તાલાલા પંથકમાં દર વર્ષે અંદાજે રૃા. ૧૦૦ કરોડથી પણ વધુ કેસર કેરીનો પાક થાય છે. ૧૩ હજાર હેકટરમાં ૧૫ લાખ જેટલા આંબાઓ આવેલા છે. જેમાંથી ચાલુ વર્ષે ૫૦ ટકા આંબામાં તો સાવ પાક આવ્યો જ નથી. વર્ષમાં એક જ વખત આવતો કેસર કેરીનો પાક નિષ્ફળ જતા તાલાલા પંથકના કેસર કેરીના ઉત્પાદક કિસાનો દયાજનક સ્થિતિમાં મુકાઇ ગયા છે. તાલાલા પંથકના કેસર કેરીના ઉત્પાદક કિસાનોને આર્થિક પાયમાલીમાંથી ઉગારવા તાકિદે કેસર કેરીના નાશ પામેલા પાકનો યોગ્ય વળતર ચૂકવવા ઠરાવમાં માંગણી કરીને તેની નકલો સાથે તાલુકા પંચાયતની સામાન્ય સભાએ સરકારમાં રજૂઆત કરીને તાલાલા પંથકના કિસાનોને યોગ્ય ન્યાય આપવા માંગણી કરી છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર