શિયાળામાં પડેલા કમોસમી વરસાદથી ઓછા પાકના કારણે કેસર કેરીની કિંમતો વધુ રહેવાની શક્યતા
સોમવાર, 26 માર્ચ 2018 (12:09 IST)
શિયાળામાં પડેલા કમોસમી વરસાદના કારણે આ વર્ષે ગીરમાં કેસર કેરીનો પાક આશરે ૧૫થી ૨૦ ટકા ઓછો ઉતર્યો છે. જેના કારણે આ વર્ષે કેરીના ભાવ સતત ઊંચા રહે તેવી સંભાવના છે. કેસર કેરી ઉગાડતા જિલ્લાઓ ગીર-સોમનાથ, જૂનાગઢ અને અમરેલીમાં ગત વર્ષે ૨.૧૧ લાખ મેટ્રિક ટન કેરીનું ઉત્પાદન થયું હતું, જ્યારે આ વર્ષે ૧.૭૮ લાખ મેટ્રિક ટન કેરીનું ઉત્પાદન થયું છે. આ પંથકમાં કેરીના ૧૫ લાખથી પણ વધુ વૃક્ષો આવેલા છે. શિયાળાના કમોસમી વરસાદ અને આ વર્ષે સાનુકૂળ વાતાવરણના કારણે કેસર કેરીનો પાક ઓછો ઉતર્યો છે. કેસરના પાક પર વાતાવરણની અસર બહુ જલદી થતી હોય છે. ૧૫મી એપ્રિલ આસપાસ કેસર કેરી તાલાલાના માર્કેટિંગ યાર્ડ સહિતના વિવિધ બજારોમાં આવી જશે. ગત વર્ષે કેસર કેરીની કિંમત શરૃઆતમાં ૭૦૦ રૃપિયા પ્રતિકિલો હતી જે અંતે ૫૦૦ રૃપિયા પ્રતિકિલો પહોંચી હતી. આ વર્ષે કેસર કેરીની તબક્કાવાર કિંમતોમાં ઓછામાં ઓછા ૧૫ ટકાનો વધારો થવાના સંકેતો છે. ક્લાઈમેટ ચેન્જથી કેસર કેરીના પાક પર થતી માઠી અસરોને નિવારવા હાલ ખેડૂતો વિવિધ કૃષિવિશેષજ્ઞાોની મદદ લઈ રહ્યા છે