સરકાર ઉદ્ઘાટન કરે તે પહેલા પાટીદારોએ બ્રીજ ખુલ્લો મુકી દીધો, બાદમાં ગણતરીની મિનીટોમાં જ બંધ થઈ ગયો
સોમવાર, 16 ઑક્ટોબર 2017 (13:39 IST)
અમદાવાદમાં ફરીવાર પાટીદારોએ સરકાર અને તંત્રને દોડતું કરી દીધું હતું. થોડા સમય અગાઉ વરસાદના લીધે રોડ તૂટી જવાથી વિકાસ ગાંડો થયો છે જેવા સુત્રોએ બાંગ પોકાર્યો હતો. ત્યારે અમદાવાદ શહેરમાં લોકોને ટ્રાફિકની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઈને એએમસી દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ઓવરબ્રીજના નિર્માણ કાર્ય કર્યા છે.
આવો જ એક બ્રીજ બાપુનગરના વિકાસ ચોક નામે જાણીતા સરદાર પટેલના સ્ટેચ્યુ ઉપર બનાવવામાં આવ્યો હતો. લાંબા સમયથી બ્રીજ તૈયાર થઈ ગયો હોવાછતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો ન હોવાનો દાવો કરીને પાટીદારોએ આજે બાપુનગર ખાતે બનેલા નવનિર્મિત ઓવરબ્રીજને જાતે જ ખુલ્લો મૂકી દીધો હતો અને જય સરદાર જય પાટીદારના નારા લગાવ્યા હતા. બ્રીજ ખુલ્લો મૂકાયો તેની ગણતરીની મિનિટોમાં જ ઓવરબ્રીજ બંધ કરી દેવાયો હતો. પાટીદારોએ પોતાની રીતે શરૂ કરેલા ઓવરબ્રીજને ગણતરીની મિનિટોમાં જ તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હતો. ઓવરબ્રીજની બંને બાજુએ બેરિકેટ મૂકી દેવામાં આવ્યા હતા. ઓવરબ્રીજનું ઉદઘાટન કરી દેવામાં આવ્યું હોવાના નિશાનીરૂપે વઘેરેલા નાળીયેર પડ્યા હતા.