ભાજપના આક્ષેપ સામે કોંગ્રેસે જાહેર કરી ભાજપના ૩૦ કલંકિત નેતાની યાદી
મંગળવાર, 3 ઑક્ટોબર 2017 (16:34 IST)
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર ચાલુ થઈ ગયો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કોંગ્રેસને ‘ગુંડાઓની પાર્ટી’ ગણાવતાં નિવેદન સામે આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરતાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જુદા જુદા ગુનાઓમાં સંડોવાયેલાં ભાજપના ૩૦ જેટલા નેતાઓની યાદી જાહેર કરતાં અમતિ શાહને જનરલ ડાયર ગણાવી કહ્યું કે, તેઓ ઈતિહાસ ભૂલી ગયા છે જ્યારથી તોફાન કરાવનારા(ભાજપ) સત્તામાં આવ્યો છે ત્યારથી રાજ્ય કર્ફ્યુ મુક્ત બન્યું છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના નિવેદન સામે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સોલંકીએ આકરી પ્રતિક્રિયા સાથે અમિત શાહથી માંડીને રાજ્ય સરકારમાં ઉચ્ચ પદ પર બેઠેલાં કેબિનેટ પ્રધાનો, ધારાસભ્યો અને સાંસદોની યાદી જાહેર કરતાં કહ્યું કે, ચાલ, ચરિત્ર અને ચલનની વાતો કરનારા ભાજપનો અસલી ચહેરો આનાથી ઉજાગર થાય છે. કચ્છના ચર્ચિત નલિયા દુષ્કર્મ કાંડનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, આ કાંડમાં કચ્છ અને ગુજરાતના પોતાના કેટલા નેતાઓ સંડોવાયેલાં છે તે ભાજપ જાણે જ છે. ભાજપ સરકાર પર આકરાં પ્રહાર કરતાં કહ્યું કે, દેશની એકતા અને અખંડિતતા માટે ગાંધીજીએ શહીદી વહોરી હતી જ્યારે ભાજપ તેના એક પણ નેતા બતાવે જેણે આંગળી પણ કપાવી હોય! કેન્દ્રની યુપીએ સરકારે ગુજરાતને વીજ ઉત્પાદન માટે રૂ. ૫૦ હજાર કરોડ આપ્યા હોવાનો દાવો કરતાં તેમણે કહ્યું કે, આમ છતાં ભાજપના શાસનમાં એક મે.વો.વીજળીનું ઉત્પાદન વધ્યું નથી. કોંગ્રેસે પાણીના ડેમ સહિતની અનેક મિલકતો રાજ્યની પ્રજાને ભેટ આપી જ્યારે ભાજપે અનેક મિલકતો વેચીને ભ્રષ્ટાચાર આચર્યો છે. ગુજરાતને ભાજપથી મુક્ત કરાવવા હાર્દિક પટેલ, જીજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોરને યુવા નેતાઓ મેદાને પડ્યા હોવાનું જણાવી તેમણે એક સવાલના જવાબમાં ઉમેર્યું હતું કે, ભાજપ ચૂંટણીમાં એનસીપી અને ઔવેશીને પણ મેદાનમાં ઉતારશે પરંતુ ગુજરાતની જનતાના આશીર્વાદ માત્ર કોંગ્રેસને જ મળશે.