બ્રિટનમાં વસતા 15 લાખ ભારતીયોમાં 8 લાખ ગુજરાતી, લંડનમાં જ 187 મંદિરો

શુક્રવાર, 4 ઑગસ્ટ 2017 (15:02 IST)
એક સમયે ભારત ઉપર રાજ કરતા અંગ્રેજોના બ્રિટનમાં જ ગુજરાતીઓએ ઘણું કાઠું કાઢ્યું છે. આવા ગુજરાતીઓ અંગેની ચર્ચા માટે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના એનઆરજી સેન્ટર દ્વારા ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બ્રિટનમાં વસતા ગુજરાતીઓ દ્વારા જાણવા મળ્યું હતું કે યુ.કે.માં 15 લાખ ભારતીયો છે. જેમાં 8 લાખ તો ગુજરાતીઓ જ છે. યુ.કે.ના આર્થિક સામાજિક અને શૈક્ષણિક વિકાસમાં પણ ગુજરાતીઓનો મહત્વનો ફાળો છે.

વર્ષોથી લંડન સ્થાયી થયેલા અને એશિયન વોઇસના પબ્લિશર સી.બી.પટેલે જણાવ્યું હતું કે બ્રિટનની સાંસદમાં 27 બિનગોરા સાંસદો છે. જે પૈકી 14 તો ગુજરાતી છે અને એકલા લંડન શહેરમાં જ 187 મંદિરો આવેલા છે. ઇંગ્લેન્ડમાં સ્થાયી થયેલા ગુજરાતીઓનો ગુજરાત પ્રત્યેનો ભાવ જરાય ઘટ્યો નથી. તેઓ ગુજરાતના વિકાસમાં પણ મહત્વનો ભાગ ભજવી રહ્યા છે. ગુજરાતની બેંકોમાં તેમનું ઘણું રોકાણ છે.

પોતાના વતનમાં શાળા-કોલેજો, હોસ્પિટલ સહિતના નિર્માણમાં તેમનો ઘણો ફાળો રહ્યો છે. સી.બી.પટેલે જણાવ્યું હતું કે ગુજરાતીઓએ બ્રિટનની મુલાકાત લેવી જોઇએ જેથી ત્યાં વસતા ગુજરાતીઓ સાથેનો સંપર્ક વધે. કાર્યક્રમમાં વિષ્ણુ પંડ્યાએ કહ્યું હતું કે, યુકેનું ભારત માટે ઘણું યોગદાન છે. દાદાભાઇ નવરોજી, શ્યામજી કૃષ્ણવર્મા, સરદાર વલ્લભભાઇ પટેલ તથા વિઠ્ઠલભાઇ પટેલ જેવા મહાનુભાવોએ પણ ભારત અને બ્રિટનના સંબંધોમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. ચેમ્બરના એનઆરજી સેન્ટર દ્વારા વિદેશમાં વસતા ગુજરાતીઓને તમામ પ્રકારની મદદ પૂરી પાડવામાં આવે છે.

જેમાં લગ્નોત્સુક યુવક-યુવતીઓ માટે સારા પાત્રો શોધવાથી માંડીને એનઆરજી પરિવારને ગુજરાતમાં ઇન્વેસ્ટ કયાં અને કેવી રીતે કરવું/ તેની માહિતીમાં પણ મદદ કરવામાં આવતી હોવાની વિગતો ચેમ્બરના પ્રમુખ શૈલૈષ પટવારી અને કે.એચ.પટેલે આપી હતી. ગુજરાત સરકારના બિનનિવાસી ભારતીય વિભાગના સચિવ એન.પી.લવિંગીયાએ પણ સરકારના બિન નિવાસી ગુજરાતી ફાઉન્ડેશન દ્વારા કાર્યરત વિવિધ પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. સાથે સાથે તેમણે બિન નિવાસી ગુજરાતીઓ માટેના ગુજરાતી કાર્ડ સ્કીમની વિગતો પણ રજૂ કરી હતી. કાર્યક્રમમાં બિનનિવાસી ગુજરાતીઓ અને તેમની સાથે સંકળાયેલા ઘણા લોકો ઉપસ્થિત રહ્યા હતા.

વેબદુનિયા પર વાંચો