વિપક્ષના નેતાની પસંદગી માટે કોંગ્રેસના ધારાસભ્યોની આજે બેઠક યોજાશે
બુધવાર, 3 જાન્યુઆરી 2018 (11:57 IST)
ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતાની પસંદગી કરવા બુધવારે અમદાવાદમાં કોંગ્રેસી ધારાસભ્યોની એક બેઠક મળી રહી છે. આ બેઠકમાં વિપક્ષના નેતા ઉપરાંત ઉપનેતા,દંડક અને જાહેર હિસાબ સમિતી માટે ય નામો પસંદ કરવામાં આવશે.જોકે,કોંગ્રેસે આ ચારેય પદ માટે જ્ઞાાતિવાદ આધારે પસંદગી કરશે તેમ માનવામાં આવી રહ્યુ છે. ગુજરાત કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોત અને કોંગ્રેસી નેતા જીતેન્દ્રસિંહની નિરીક્ષક તરીકે પસંદગી કરાઇ છે. આ બંન્ને નેતાની હાજરીમાં કોંગ્રેસી ધારાસભ્યોના અભિપ્રાય લેવામાં આવશે. આ અંગેનો આખોય રિપોર્ટ હાઇકમાન્ડને સુપરત કરવામાં આવશે.બે-ચાર દિવસમાં જ વિપક્ષના નામની ઘોષણા કરવામાં આવે તેવી સંભાવના છે.
વિપક્ષના નેતા માટે પાટીદાર ધારાસભ્ય પરેશ ધાનાણીનું નામ ટોચ પર છે. આદિવાસી ધારાસભ્ય અશ્વિન કોટવાલ,કોળી પૂજા વંશનુ નામ પણ રેસમાં છે.શૈલેષ પરમારે પણ આ પદ મેળવવા દિલ્હીમાં રજૂઆત કરી છે. કુંવરજી બાવળિયા અને સાંસદ વિક્રમ માડમ પણ આ પદ મેળવવા દોડાદોડી કરી રહ્યાં છે. સૂત્રો કહે છેકે, જો પાટીદારને વિપક્ષી નેતા બનાવે તો, ઉપનેતાપદ આદિવાસીને સોંપવામાં આવશે. આ ઉપરાંત જાહેર હિસાબ સમિતીમાં પૂજાભાઇ વંશ જેવા અનુભવીને મૂકવામાં આવે તેવી વકી છે. દંડક તરીકે દલિત ધારાસભ્ય શૈલેષ પરમાર લગભગ નક્કી છે. આ વખતે કોંગ્રેસનુ સંખ્યાબળ વધ્યુ છે ત્યારે સરકારને વિધાનસભામાં ભીડવવા અત્યારથી જ તૈયારીઓ થઇ રહી છે.