વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દાહોદ જિલ્લાની અમૂલ્ય સંપદા સમાન તેના વનવિસ્તારનો પરિચય મેળવીએ. સાથે જંગલ વિસ્તારની જાળવણી અને વૃદ્ધિ કરતાં વનવિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરીની માહિતી પણ મેળવીએ. દાહોદ જિલ્લાના નવેનવ તાલુકા જંગલ વિસ્તાર ધરાવે છે. કુલ ૮૧૫.૩૭ ચો.કિ.મી.નો જંગલ વિસ્તાર છે જે બારીયા વન વિભાગ અંતર્ગત આવે છે.
તાલુકા પ્રમાણે જોઇએ તો દેવગઢ બારીયા સૌથી વધુ વનવિસ્તાર ધરાવે છે, દેવગઢ બારીયામાં કુલ ૧૪૪.૮૬ ચો.કિ.મી. વિસ્તાર જયારે ધાનપુરમાં ૧૨૭.૭૭ ચો.કિ.મી., દાહોદમાં ૧૨૩.૬૪ ચો.કિ.મી., ઝાલોદમાં ૯૪.૬૪ ચો.કિ.મી., ફતેપુરામાં ૪૦.૬૬ ચો.કિ.મી. સંજેલીમાં ૬૧ ચો.કિ.મી., લીમખેડામાં ૧૦૮.૭૪ ચો.કિ.મી. વિસ્તાર, આ ઉપરાંત ગરબાડા અને લીમખેડા સહિત કુલ ૧૩ રેન્જ અહીં આવેલી છે.
નાયબ વનસંરક્ષક આર.એમ. પરમાર જણાવે છે કે, ગયા વર્ષમાં ૩૦.૩૩ લાખ કિ.ગ્રામ ઘાસનું ઉત્પાદન થયું હતું. અત્યારે બારીયા વન વિભાગ હસ્તકના ઘાસ ગોડાઉનમાં ૭૪.૩૩ લાખ ઘાસ સંગ્રહ કરવામાં આવ્યું છે. દાહોદમાં ગાઢ વનવિસ્તારમાં જંગલી પ્રાણીઓ પણ રહેતા હોય અવાર નવાર વન્યપ્રાણીઓ દ્વારા માનવહુમલા થયા છે. છેલ્લા ત્રણ વર્ષમાં આવા ૮૯ બનાવો બન્યા છે. તેમજ ૭ વ્યક્તિના મરણ પણ થયાં છે. મૃતકોના પરીજનોને ૪ લાખની રાજય સરકાર દ્વારા સહાય કરવામાં આવી હતી.
દાહોદમાં ગત વર્ષે જંગલ વિસ્તારમાં ભૂમિ અને ભેજ સંરક્ષણ અંતર્ગત ૧૪૨ વનતલાવડી બનાવવામાં આવી છે. તેમજ ૧૪ ચેકવોલ અને પંચાવન પરકોલેશન ટેન્ક તૈયાર કરવામાં આવ્યા છે. જયારે સુઝલામ સુફલામ યોજના અંતર્ગત ૩૫ વનતલાવડી, પાંત્રીસ પરકોલેશન ટેંક બનાવવામાં આવ્યા છે. જયારે આ વર્ષે જંગલ વિસ્તારમાં ૭૫ ચેકડેમ, ૧૮ ચેકવોલ અને પાંત્રીસ પરકોલેશન ટેન્કનું આયોજન કરવામાં આવ્યું છે.