સુરતની જીત બાદ આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરતના લોકોનો આભાર માનવા સુરત પધારેલ હતા અને સરથાણા જકાતનાકા ખાતે જંગી જાહેરસભાને સંબોધન કર્યું હતું. આ જાહેર સભામાં અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ અને ભાજપમાં રહેલા સારા અને દેશસેવા કરવા માંગતા સ્વચ્છ છબી ધરાવતા ઈમાનદાર આગેવાનોને આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે જાહેરમાં આમંત્રણ આપ્યું હતું.
અરવિંદ કેજરીવાલની કામની રાજનીતિથી પ્રેરાઈને તેમજ અરવિંદ કેજરીવાલના સંબોધનથી પ્રોત્સાહિત થઈને સુરત મહાનગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર અને સામાજીક આગેવાન દિનેશ કાછડીયા પોતાના કાર્યકરો, સમર્થકો અને શુભેચ્છકો સાથે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
દિનેશ કાછડિયાએ કહ્યું હતું કે કોંગ્રેસના તમામ પ્રદેશ નેતાઓ, સુરત શહેર સંગઠનના નેતાઓ, મારી સાથે ચૂંટણી લડી રહેલા મારા સાથી મિત્રો સમક્ષ એક સહ્રદય ઋણ ભાવ સાથે હું કોંગ્રેસ પાર્ટીના તમામ પદ અને પ્રાથમિક પદેથી રાજીનામું જાહેર કરું છું. દિનેશ કાછડિયાએ પોતાની હાર બાદ કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધુ છે.