પ્રાપ્ત માહિતી અનુસાર લીંબડી અમદાવાદ હાઇવે પર આજે પેસેન્જર વાહન ડમ્પર પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. કાનપરા પાટીયા નજીક સર્જાયેલા આ અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યું નિપજ્યા છે ત્યારે 1 વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં અવ્યા હતા. અકસ્માત અંગે જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે.
અન્ય એક અકસ્માતના સમાચાર આણંદ નજીકથી મળી રહ્યા છે. જેમાં આણંદના ધર્મજ તારાપુર હાઇવે પર લકઝરી બસ પલટી ગઈ હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. હાઇવે પર સાઈન બોર્ડ સાથે લક્ઝરી બસ પલટી ખાઈને અથડાઈ હતી. અકસ્માતનો ભોગ બનેલી લક્ઝરી બસમાં સવાર 25 થી વધુ મુસાફરો સવાર હતા, જેઓ ઘાયલ થયા છે. તેમજ અકસ્માતમાં ઘાયલ થયેલા ત્રણ મુસાફરોની સ્થિતિ ગંભીર છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, લક્ઝરી બસ સુરત કતારગામથી જેસર પાલિતાણા તરફ જઈ રહી હતી. બસમાં કતારગામ અને તેની આસપાસના વિસ્તારના રહેવાસીઓ સવાર હતા. અકસ્માત બાદ ઘાયલ મુસાફરો માટે 108 એમ્બ્યુલન્સ દોડતી થઈ ગઈ હતી. કુલ આઠ એમ્બ્યુલન્સમાં ઈજાગ્રસ્તોને તારાપુરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. અકસ્માતને પગલે પેટલાદ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.