આજે વિશ્વ પર્યાવરણ દિવસ પર જે વૃક્ષ વિશે તમને જાણકારી મળવાની છે, એ વૃક્ષનું આયુષ્ય 950 વર્ષ કરતા પણ વધારે હોવાનો દાવો છે.કોઈને ચામડીના રોગ હોય, પ્રેગનેન્સીમાં મુશ્કેલી આવતી હોય, અશક્તિ, ઝાડા કે પછી તાવ આવ્યો હોય, આ વૃક્ષની છાલ, પાંદડા, ફૂલ અને ફળ અનેક રીતે ઉપયોગી છે.
આ વૃક્ષ વરસાદના સંકેત આપે છે, થડ તો જાણેકે કોઠાર, જ્યાં સેંકડો લીટર પાણી જમા થાય છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ વૃક્ષની કિંમત આંકવામાં આવી તો આંકડો 7 કરોડ રૂપિયાને પાર પહોંચી ગયો છે.વડોદરા શહેરથી 15 કિલોમીટર દૂર ગણપતપુરા ગામમાં આ ભવ્ય વારસો કહી શકાય એવું વૃક્ષ આવેલું છે. જેનું નામ બાઓબાબ વૃક્ષ છે. સામાન્ય રીતે આ વૃક્ષ 2 હજાર વર્ષનું આયુષ્ય ધરાવે છે. આ વૃક્ષ ડેડ રેટ ટ્રી અને મંડી બ્રેડ ટ્રી તરીકે પણ ઓળખાય છે. વન વિભાગ દ્વારા આ વૃક્ષને વર્ષ 2014-15માં હેરિટેજ ટ્રીનો દરજ્જો આપવામાં આવ્યો છે.