અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસથી શિક્ષકે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, 5.50 લાખની સામે 14 લાખ આપ્યા છતાં ત્રાસ

સોમવાર, 5 જૂન 2023 (14:31 IST)
teacher committed suicide
ઓઢવમાં 27 વર્ષના શિક્ષક સુબ્રોતો પાલે આજે વહેલી સવારે ઘરના રસોડામાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવકના મોટા ભાઈએ વ્યાજે પૈસા લીધા હતા. જેનું 14 લાખ રૂપિયા વ્યાજ ચૂકવ્યું હતું. છતાં વ્યાજખોરોએ ત્રાસ આપવાનું બંધ ન કર્યું અને કંટાળીને સુબ્રોતો પાલે આપઘાત કરી લીધો હતો.

સુબ્રોતોના મોટા ભાઈએ પણ 6 દિવસ પહેલાં દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ મામલે પણ પોલીસે કોઈ કાર્યવાહી કરી નહોતી. વ્યાજખોર અને પોલીસના કારણે કંટાળેલા સુબ્રોતોએ આપઘાત કરતા પહેલાં સુસાઇડ નોટ લખી હતી.જેમાં લખ્યું છે કે, 3 વ્યાજખોર ત્રાસ આપતા હતા, જે અંગે પોલીસ અમારી ફરિયાદ લખતી નહોતી, આથી હું ચિંતાગ્રસ્ત થઈ ગયો હતો. ‘મે સુબ્રોતો પાલ, આજ સુસાઇડ કરને જા રહા હું, જીસમે જિમ્મેદાર તીન જન હૈ. યશપાલસિંહ, હર્ષિલ મિશ્રા, અમનસિંહ ચૌહાણ ઔર પોલીસવાલે હમારી FIR જલ્દી લીખ નહીં રહે થે, જીસ મેં બહોત જ્યાદા DEPRESS હો ગયા થા, ઇસલીયે આજ મૈં યહ ફેંસલા લિયા મૈં ખુદ કો ખતમ કર લુ, શાયદ મેરે મરને કે બાદ મેરે પરિવાર કો ન્યાય મિલે’

શહેરના ઓઢવના ગોકુલનગર સોસાયટીમાં રહેતા અને શિક્ષક તરીકે ફરજ બજાવતા સુબ્રોતો પાલે આજે વહેલી સવારે 5 વાગ્યે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.સુબ્રોતો તેમના મોટા ભાઈ શુભાંકર પાલ સાથે રહેતો હતો. સુબ્રોતોએ આપઘાત પહેલાં હિન્દીમાં સુસાઇડ નોટ લખી હતી. જેમાં ઉલ્લેખ કર્યો છે કે ત્રણ વ્યાજખોર સામે પોલીસ અમારી ફરિયાદ લેતી નથી. જેના કારણે હેરાન થયો હતો, જેથી હું આપઘાત કરું છું. કદાચ મારા મોત બાદ મારા પરિવારને ન્યાય મળી શકે. સુબ્રોતોના મોટાભાઈ શુભાંકર પાલે યશપાલસિંહ, હર્ષિલ મિશ્રા અને અમરસિંહ ચૌહાણ પાસેથી 5.50 લાખ રૂપિયા વ્યાજે આજે લીધા હતા.જેની સામે 14 લાખ રૂપિયા વ્યાજ ચૂકવી દીધું હતું. છતાં આ ત્રણેય લોકો વ્યાજ માટે અવારનવાર હેરાન-પરેશાન કરતા હતા. મૃતક અને તેના મોટાભાઈને ઘરની બહાર બોલાવીને મારતા હતા તથા અહીંથી ઇન્દોર લઈ જઈને પણ મારવાની ધમકી આપતા હતા. મૃતકના સાળા પ્રસોનજીતે જણાવ્યું હતું કે, વ્યાજખોરોના ત્રાસથી ગત મંગળવારે શુભાંકર પાલે પણ ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેમને સમયસર હોસ્પિટલ પહોંચાડી દેતા તેમનો જીવ બચી ગયો હતો. 


ગઈકાલે પણ સાંજે પોલીસ ઘરે આવી હતી, પરંતુ ફરિયાદ ન લીધી હતી. જેથી તેના ત્રાસથી કંટાળીને સુબ્રોતો પાલે વહેલી સવારે ઘરમાં આત્મહત્યા કરી દીધી હતી. વ્યાજે પૈસા આપનારા ત્રણેય વ્યક્તિઓ જ્યારે પણ ઘરે આવતા ત્યારે જણાવતા હતા કે નિકોલના પીઆઈ તેમના સંબંધી છે, જેથી પોલીસ તેમની સામે કોઈ પગલાં નહીં લે.પોલીસ મૃતકના ઘરે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઓઢવ પીઆઇ જે.એસ કંદોરિયાએ જણાવ્યું હતું કે, વ્યાજખોર વિરુદ્ધ પુરાવા આપ્યા નથી. પુરાવા નહોતા જેથી ફરિયાદ લેવામાં આવી નથી. કાલે ઘરે જઈને નિવેદન લીધું હતું, પરંતુ અમે પુરાવા માટે રાહ જોઈ રહ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર