અમદાવાદમાં તાપમાન ૩.૪ ડિગ્રી ઘટતા ગરમીમાં રાહત

શનિવાર, 21 મે 2016 (12:29 IST)
સતત પડી રહેલ કાળઝાળ ગરમીના કારણે લોકો કફોડી સ્થિતિમાં મુકાયા છે અને ગુરુવારે અમદાવાદના તાપમાને છેલ્લા ૧૦૦ વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો ત્યારે હવે આજે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી. આજે અમદાવાદ શહેરનું તાપમાન ૩.૪ ડિગ્રી ઘટીને ૪૪.૬ ડિગ્રી થઈ ગયુ છે. જ્યારે રાજ્યના અન્ય શહેરોના તાપમાનમાં પણ ૩થી ૪ ડિગ્રીનો ઘટાડો થતા લોકોને ગરમીથી બપોરના સમયે રાહત મળી હતી. જોકે, હવામાન વિભાગની આગાહી મુજબ હજી બે દિવસ તાપમાનનો પારો ૪૪થી ૪૬ સુધી જળવાઈ રહેશે. ત્યારબાદ તબક્કાવાર તાપમાનનો પારો ઘટીને ૪૧થી ૪૨ ડિગ્રી સુધી આવી જશે.

જેથી કરીને લોકોને મોટી રાહત મળવાની શક્યતા છે. આજે પણ દિવસભરના તીવ્ર બફારા વચ્ચે સાંજના સમયે ઠંડા પવન ફુંકાતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી.  જેના કારણે છેલ્લા એક સપ્તાહથી કાળઝાળ ગરમીમાં સેકાઈ રહેલ લોકોએ સાંજના સમયે થોડી રાહત અનુભવી હતી. આજે અમદાવાદમાં મહત્તમ ૪૪.૬ અને લઘુત્તમ ૩૦.૫ ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.  જ્યારે મોટાભાગના શહેરોનું તાપમાન પણ આજે ૪૩થી ૪૪ ડિગ્રી વચ્ચે નોંધાયુ હતું.

વેબદુનિયા પર વાંચો