Asian Games 2023: ભારતની મહિલા ક્રિકેટ ટીમ ફાઇનલમાં પહોંચી, પહેલા દિવસે કોણે જીત્યા મેડલ?

સોમવાર, 25 સપ્ટેમ્બર 2023 (07:24 IST)
ગઈકાલથી ચીનના હાંગઝોઉમાં 19મી એશિયન ગેમ્સની શરૂઆત થઈ ચૂકી છે. આ એશિયન ગેમ્સ 8 ઑક્ટોબર સુધી ચાલશે.  પહેલા આ રમતોત્સવ 2022માં યોજાવાનો હતો, પરંતુ કોરોના મહામારીને કારણે તેને ટાળી દેવામાં આવ્યો હતો. આ વખતે એશિયન ગેમ્સમાં કુલ 40 રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ રમતોની 61 પેટા રમતોને મેળવીને કુલ 481 સ્પર્ધાઓનું આયોજન થઈ રહ્યું છે.
 
ગઈકાલે યોજાયેલા એશિયન ગેમ્સના ઉદ્ઘાટન સમારંભમાં ભારતીય હોકી ટીમના કૅપ્ટન હરમનપ્રીત સિંહ અને બૉક્સર લવલીના બોરગોહાઈએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 38 રમતોમાં ભારત તરફથી કુલ 634 ખેલાડીઓ ભાગ લઈ રહ્યાં છે. ઍથ્લેટિક્સ સ્પર્ધાઓ માટેની ટીમ સૌથી મોટી છે જેમાં ભારત તરફથી કુલ 65 ખેલાડીઓને મોકલવામાં આવી રહ્યાં છે.
 
એશિયન ગેમ્સના પ્રથમ દિવસે ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે હોકી મેચ રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત નોંધાવી છે. ભારતના ફોરવર્ડ ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમ ઈન્ડિયાએ આ મેચમાં ઉઝબેકિસ્તાનને 16-0ના મોટા અંતરથી હરાવ્યું હતું.
 
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ફાઇનલમાં પહોંચી
 
આ વખતે સૌપ્રથમવાર એશિયા કપમાં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતે મહિલા અને પુરુષ બંને ક્રિકેટ ટીમોને મોકલી છે. આજે રમાયેલી સેમિફાઇનલમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે બાંગ્લાદેશને 8 વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. ભારતે બાંગ્લાદેશે આપેલા 52 રનના લક્ષ્યને 8.2 ઓવરોમાં માત્ર બે વિકેટ ગુમાવીને જ હાંસલ કરી લીધો હતો. ભારત તરફથી જેમિમા રૉડ્રિગ્સે 20 અને શેફાલી વર્માએ 17 રન બનાવ્યા હતા.
 
મૅચમાં બાંગ્લાદેશે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરીને કુલ 51 રન બનાવ્યા હતા. ભારતે આખી ટીમને 17.5 ઓવરમાં માત્ર 51 રનમાં ઑલઆઉટ કરી દીધી હતી. બાંગ્લાદેશ તરફથી કૅપ્ટન નિગાર સુલ્તાનાએ સૌથી વધુ 12 રન બનાવ્યા હતા, જ્યારે ભારત તરફથી પૂજા વસ્ત્રાકરે સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી.
 
ભારતીય મહિલા ટીમની કૅપ્ટન હરમનપ્રીત સિંહ આ મૅચની પ્લેઈંગ 11નો ભાગ નથી. બાંગ્લાદેશ સામેની શ્રેણીમાં તેના વર્તનને કારણે તેના પર બે મૅચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હરમનપ્રીત સિંહ ફાઈનલ મૅચમાં ટીમની કમાન સંભાળશે. 
 
ભારત વિ શ્રીલંકા એશિયન ગેમ્સ 2023 મહિલા ક્રિકેટ ફાઇનલ ભારતમાં લાઇવ સ્ટ્રીમ અને ટેલિકાસ્ટ કરવામાં આવશે. IND vs SL મેચ ભારતીય સમય અનુસાર સવારે 11.30 વાગ્યે શરૂ થશે. આ મેચ T20 ફોર્મેટમાં રમાશે.
 
ભારતે સેમિફાઇનલમાં બાંગ્લાદેશને આઠ વિકેટે હરાવીને એશિયન ગેમ્સ 2023 મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે, જ્યારે શ્રીલંકાની મહિલા ટીમે પાકિસ્તાનને હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે.
 
ફાઇનલમાં પ્રવેશ કરીને ભારતે એશિયન ગેમ્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પોતાનો પ્રથમ મેડલ નિશ્ચિત કરી લીધો છે. તમને જણાવી દઈએ કે મહાદ્વીપીય સ્પર્ધાના 2010 અને 2014ની ગેમ્સમાં ક્રિકેટ રમાઈ હતી, પરંતુ ભારતે આ ઈવેન્ટ માટે કોઈ ટીમ મોકલી ન હતી.
 
પહેલા દિવસે કોણે જીત્યા મેડલ?
હાંગઝોઉમાં ચાલી રહેલી 19મી એશિયન ગેમ્સમાં ભારતે અત્યાર સુધીમાં પાંચ મેડલ જીત્યા છે. મહિલાઓની 10 મીટર ઍર રાઇફલ ટીમ ઇવેન્ટમાં ભારતનાં મેહુલી ઘોષ, રમિતા જિંદલ અને આશી ચૌકસેએ મળીને 1886 અંકો સાથે સિલ્વર મેડલ જીત્યો છે. આ સાથે જ ભારતે એશિયન ગેમ્સમાં મેડલ જીતવાનું પોતાનું ખાતું ખોલ્યું હતું. આ મુકાબલામાં ચીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
 
ભારતના નાવિકો અર્જુન લાલ અને અરવિંદ સિંહે લાઇટવેઇટ ડબલ સ્કલ્સમાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. બંને નાવિકોએ સાડા છ મિનિટથી પણ ઓછા સમયમાં તેમની રેસ પૂરી કરી હતી.  આ સ્પર્ધામાં પણ ગોલ્ડ મેડલ ચીનના અને બ્રોન્ઝ મેડલ ઉઝબેકિસ્તાનના ફાળે ગયો છે.
 
આ સિવાય ભારતીય નાવિકો લેખરામ અને બાબુ લાલ યાદવે કૉકલેસ પેઅર ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે પુરુષોની જ કૉકસ 8 ઇવેન્ટમાં ભારતીય નાવિકોએ સિલ્વર મેડલ જીત્યો છે. મહિલાઓની 10 મીટર ઍર રાઇફલ ઇવેન્ટમાં રમિતાએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર