- નિર્ણય પરત લેવાય તે માટે દિલ્હી જઈ રજૂઆત કરવાની વાત કરી
આગામી લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠક પર કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. બંને પક્ષો વચ્ચે નક્કી થયા મુજબ ભરૂચ અને ભાવનગર બેઠક આમ આદમી પાર્ટીને ફાળવવામાં આવશે. કોંગ્રેસના આ નિર્ણય સામે અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે નારાજગી વ્યકત કરી છે.
આ નિર્ણય પરત લેવાય તે માટે દિલ્હી જઈ રજૂઆત કરવાની વાત કરી હતી. ગઠબંધનની સત્તાવાર જાહેરાત થાય તે પહેલા જ ફૈઝલ પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી અલ્ટીમેટમ આપ્યું હતું અને કહ્યું હતું કે, જો ભરૂચ બેઠક પર આપનો ઉમેદવાર આવશે તો તેઓ અને તેના કાર્યકર્તાઓ સમર્થન નહીં કરે. ભરૂચ બેઠક પર આપ અને કોંગ્રેસમાં ભારે ખેંચતાણ બાદ અંતે આપના ફાળે ભરૂચ બેઠક આવી છે.
આગામી લોકસભા ચૂંટણીને લઈ ગુજરાતમાં આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં ગુજરાતની 26માંથી 24 બેઠક પર કોંગ્રેસ અને બે બેઠક પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટીને ભાવનગર અને ભરૂચ બેઠક ફાળવવામાં આવી છે.અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ પણ ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડવા ઈચ્છુક હતા. ભરૂચ બેઠક પર કોંગ્રેસની જીતની શક્યતા વધુ હોય ફૈઝલ પટેલે આ બેઠક આપને ન ફાળવવા રજૂઆત કરી હતી.ભરૂચ બેઠક આપને ફાળવવાની સત્તાવાર જાહેરાત થતા ફૈઝલ પટેલે નારાજગી વ્યકત કરી હતી. ખાનગી મીડિયા સાથેની વાતચીતમાં ફૈઝલ પટેલે જણાવ્યું હતું કે, હાઈકમાન્ડે જે નિર્ણય કર્યો છે તેના પર અમે જઈશું. આ નિર્ણયથી હું અને મારા પાર્ટી કાર્યકર્તાઓ નારાજ છીએ. મારે કાર્યકર્તાઓને સમજાવવા પડશે કે પાર્ટીએ આ નિર્ણય શા માટે કર્યો છે.
હું દિલ્હી જઈ રહ્યો છું. આ નિર્ણય પરત લેવા માટે હાઈકમાન્ડ સમક્ષ રજૂઆત કરીશ. પાર્ટી કાર્યકર્તાઓ નથી ઈચ્છી રહ્યા કે, તેઓ આપને સમર્થન કરે. આગામી લોકસભા ચૂંટણીમાં ગઠબંધન હેઠળ ભરૂચ લોકસભા સીટ આપ પાર્ટીને ફાળવવામાં આવશે તો હું કે કોંગ્રેસ પાર્ટીના સંનિષ્ઠ કાર્યકરો આપ પાર્ટીના ઉમેદવારનું સમર્થન નહીં કરીએ.