ગુજરાતની ચૂંટણીમાં કંગાળ દેખાવ કરનાર કોંગ્રેસમાં હવે મોટાપાયે ફેરફાર થવાની સંભાવનાઓ છે. સુત્રોમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને પ્રભારીને બદલી નાંખવામાં આવશે. બીજી બાજુ કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના અવસાન બાદ હવે ગુજરાતનો એકપણ ચહેરો કોંગ્રેસ હાઈકમાન્ડ સુધી ગુજરાતની વાત મુકી શકે એવો નથી. પરંતુ બીજી બાજુ અહેમદ પટેલના પુત્રએ જ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે મુલાકાત કર્યા બાદ રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે.
ફોટો ફૈઝલ પટેલે ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર શેર કર્યા
કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના દીકરા ફૈઝલ પટેલે લોકસભાની ચૂંટણી પહેલા જ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે મુલાકાત કરી છે. સી.આર.પાટીલ સાથેની મુલાકાતના ફોટો ફૈઝલ પટેલે ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર શેર કર્યા છે. ફૈઝલ પટેલ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ છે. કોંગ્રેસમાં ફૈઝલ પટેલને મહત્વ આપવામાં આવી રહ્યું નથી એવું સુત્રોમાં ચર્ચાઈ રહ્યું છે.
ટ્વિટ કરીને કોંગ્રેસ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી
અગાઉ ફૈઝલ પટેલે ટ્વિટ કરીને કોંગ્રેસ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. તેઓએ ટોચની લીડરશિપ સામે નારાજગી દર્શાવી અને સાથે એમ પણ લખ્યું હતું કે જવાબદારી અંગે રાહ જોઇને હું થાક્યો છું. આ ઉપરાંત ઉપરી નેતાગીરી તરફથી કોઇ પ્રોત્સાહન પણ ન મળતુ હોવાનો ટ્વિટમાં ઉલ્લેખ કર્યો હતો. તેઓએ અન્ય વિકલ્પ પણ ખુલ્લા હોવાની વાત લખી હતી.