ભરૂચ બેઠક પર AAP અને કોંગ્રેસ વચ્ચે ફસાયો પેચ, અહેમદ પટેલના પુત્રનું કોંગ્રેસને અલ્ટીમેટમ

શુક્રવાર, 23 ફેબ્રુઆરી 2024 (21:36 IST)
faisel patel
આગામી થોડા સમયમાં જ લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત થવાની શક્યતા છે, જેને પગલે ભાજપ, કોંગ્રેસ સહિતની તમામ પાર્ટીઓએ ચૂંટણીજંગમાં ઝુકાવવા કમરકસી લીધી છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલાં જ આમ આદમી પાર્ટીએ બે બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દેતાં કોંગ્રેસમાં પેચ ફસાયો છે. કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ અને પુત્રી મુમતાઝે હવે હાઈકમાન્ડ સામે બાંયો ચડાવી છે. ભરૂચ બેઠક પર કેજરીવાલે પહેલેથી જ ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા છે. બીજી બાજુ AAP અને કોંગ્રેસના ગઠબંધનની ચર્ચા વચ્ચે કોંગ્રેસ ફસાઈ ગઈ છે. અહેમદ પટેલના પુત્ર અને પુત્રીની નારાજગી સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે. ફૈઝલ પટેલે કોંગ્રેસને સ્પષ્ટપણે જણાવી દીધું છે કે, તેઓ ગઠબંધનને કોઈપણ હિસાબે સમર્થન નહીં આપે. મુમતાઝ પટેલની ટ્વિટે પણ કોંગ્રેસને મૂંઝવણમાં મુકી દીધી છે.
 
હોટ સીટ ભરૂચ બેઠકને લઈ આપ-કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ
ભરૂચ સીટ છેલ્લા 6 મહિનાથી હોટ સીટ બની ચૂકી છે અને એનું કારણ છે કોંગ્રેસ અને આપ વચ્ચેની ખેંચતાણ. એક તરફ  AAP ચૈતર વસાવા માટે તો કોંગ્રેસ અહેમદ પટેલનાં સંતાનો એવા ફૈઝલ અને મુમતાઝ પટેલને ઉમેદવાર બનાવવા માટે લોબિંગ કરી રહી છે. કોંગ્રેસના ચાણક્ય કહેવાતા દિવંગત નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કહ્યું કે, કોંગ્રેસ લોકશાહી પક્ષ છે. INDI ગઠબંધન આપણા દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કોંગ્રેસને ઉમેદવારી મળશે તો કોંગ્રેસ અને INDI ગઠબંધનને જ તેનો ફાયદો થશે. કોંગ્રેસ માટે ભરૂચ જિલ્લામાં જીત મેળવવી ખૂબ જ સરળ રહેશે. AAPની તાકાત માત્ર એક વિધાનસભા સીટ પર છે. હું માનું છું કે, ભરૂચ બેઠક કોંગ્રેસને જવી જોઈએ. અન્યથા હું આ INDI ગઠબંધનને સમર્થન આપીશ નહીં 

ભાજપે મુમતાઝ પટેલને આમંત્રણ આપ્યું હોવાની ચર્ચા
આ તરફ ભરૂચ બેઠકના રાજકીય ગરમાવા વચ્ચે ભાજપે અહેમદ પટેલના પરિવારને ઓફર કરી હોવાનું પણ સુત્રો જણાવી રહ્યાં છે.ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, આ કોંગ્રેસનો આંતરિક મામલો છે. હું માનું છું કે, ભરૂચ કોંગ્રેસના મોટા નેતા અહેમદ પટેલ હતા. હવે જ્યારે તેઓ નથી રહ્યા તેમની પુત્રીને કોંગ્રેસે પ્રોજેક્ટ કરવો જોઈએ. પરંતુ કોંગ્રેસ નિશાન ચૂકી ગઈ છે. જો અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ રાષ્ટ્રીય વિચારધારા સાથે આવવા માંગે છે તો અમે તેમનું ભાજપમાં સ્વાગત કરીશું. હાલમાં ભરૂચ બેઠક પર ભાજપે વિરોધ પક્ષોના નેતાઓ માટે મંત્રણાના દરવાજા ખોલી દીધા છે.
 
મુમતાઝની પોસ્ટ રાજકારણમાં સૂચક બની
મુમતાઝ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, હું અહેમદ પટેલની પુત્રી છું કોઈપણ સંજોગોમાં ભાજપમાં નહીં જોડાઉ. જો ભરૂચ બેઠક કોંગ્રેસને નહીં મળે તો મારા દીલને ઠેસ પહોંચશે. જીવનમાં લોકોને બધુ મળી જતુ નથી. મુમતાઝ પટેલે તાજેતરમાં એક્સ પર પોસ્ટ કરી હતી. જેને લઈને રાજકીય ચર્ચાઓ તેજ બની હતી. તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે, મારા પિતાએ શિખવ્યું છે, કે જીતો કે હારો પણ અંત સુધી લડતાં રહો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર