ટ્રાફિક પોલીસનો મ્યુનિ. સામે સપાટો, AMTSની ૪ અને BRTSની બે મળી ૬ બસો ડિટેઇન કરી
શુક્રવાર, 10 ઑગસ્ટ 2018 (11:55 IST)
અમદાવાદમાં રોડ પર થઇ જતાં આડેધડ અને ગેરકાયદે પાર્કિંગ સામે ટ્રાફિક પોલીસ દ્વારા એક સપ્તાહથી ઝુંબેશ ચાલી રહી છે. જેના ભાગરૃપે ટ્રાફિક પોલીસે આજે એએમટીએસની ચાર સીટીબસો અને બીઆરટીએસની બે બસોને ડિટેઇન કરતાં મ્યુનિ. તંત્રમાં દોડધામ મચી ગઇ છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર એએમટીએસની ૧૨૬ અને ૧૨૭ રૃટની બસો ઝુલતા મીનારા પાસેથી ઉપાડી હતી. આ બન્ને બસોને ૫.૩૦ વાગ્યાના સુમારે ડિટેઇન કરીને લઇ જવાઇ હતી. જોકે બસો આડેધડ પાર્કિંગના કારણે ડિટેઇન કરાઇ છે કે સાથે ઓરિજીનલ પેપર્સ નહીં હોવાથી તે બાબત મોડી સાંજ સુધી ક્લીયર થઇ શકી નથી. અધિકારીઓ પણ જુદું જુદું સમજ્યા છે. જો આડેધડ પાર્કિંગના કારણે હોય તો તો ઘણી બસો ઉપાડવી પડે. મ્યુનિ.ની બસો પકડાતા લોકો એવી કોમેન્ટ કરતાં સંભળાતા હતાં કે, જેણે બીજાની પાસે કાયદા પળાવવા હોય તેમણે પોતે પણ કાયદાનું પાલન કરવાની પવિત્ર ફરજ છે. જોકે મોટાભાગની બસો કોન્ટ્રાક્ટરોની હોવાથી એએમટીએસ - બીઆરટીએસના કાર્યાલયમાં પણ તેના અસલી પેપર તો નહીં જ હોય. આ સંદર્ભમાં એએમટીએસવાળા બસોના કોન્ટ્રાક્ટરને નોટિસ આપવાના હોવાનું જાણવા મળે છે.