ગ્રાઉન્ડ છીનવાઈ જવા પર હાર્દિકે કહ્યું- 'ગાડીઓ ઉપર બેસીને ઉપવાસ કરીશું' - હાર્દિક પટેલ
ગુરુવાર, 9 ઑગસ્ટ 2018 (15:04 IST)
વિજય સંકલ્પ યાત્રા સાથે દ્વારકા પહોંચેલા હાર્દિક પટેલે દ્વારકાધીશના દર્શન કર્યા બાદ મીડિયાને સંબોધન કર્યું હતું. 25મી ઓગસ્ટના રોજ જે જગ્યાએ ઉપવાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તે ગ્રાઉન્ડ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફ્રી પાર્કિંગની જાહેરાત કરવા અંગે હાર્દિકે ટિપ્પણી કરી હતી કે અમે ગાડીઓ ઉપર બેસીને ઉપવાસ કરીશું. આવું કરીને સરકારે અમારી પાર્કિંગની મુશ્કેલી દૂર કરી નાખી છે. હાર્દિક પટેલે 25મી ઓગસ્ટના રોજ યોજનાર ઉપવાસ કાર્યક્રમ અંગે જણાવ્યું હતું કે, "હું સંઘર્ષના રસ્તે છું. સરકારે જો એવું કહે છે કે તે અંગ્રેજ છે તો હું ભગતસિંહ છું. સરકાર જો કાયદાની વિરુદ્ધ જઈને કામ કરશો તો હું તેનો હિસ્સો નથી. હાર્દિકે 25મી ઓગસ્ટના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પાટીદાર યુવકોને જોડાવવા માટે અપીલ કરી હતી. હાર્દિકે કહ્યું હતું કે,"25મી તારીખે સૌ સાથે મળીને સૌની વાત કરીએ. ભૂખ્યો હું રહીશ, કેસ હું લડીશ, સજા હું સહન કરું છું, જેલમાં હું જાવ છું, સરકાર સામે હું બોલું છું, પોલીસ સામે હું લડુ છું, તમે બધા સાથ અને સહકાર આપવામાં કોઈ કચાસ ન કરશો. લડવા હું તૈયાર છું, મરવા હું તૈયાર છું ફક્ત તમારા સાથની જરૂર છે. કાલથી નવેસરની એક રણનીતિ સાથે અમદાવાદમાં પડીએ છીએ, જોઈએ છીએ કોના બાપની તાકાત છે કે કાર્યક્રમ રોકીને બતાવે.