કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની એક તસવીર વાઇરલ થઈ રહી છે કે જેમાં તેઓ એક વૃદ્ધ મહિલાને ગળે મળી રહ્યા છે. વાઇરલ તસવીરે ઘણા લોકોનાં મનમાં સવાલ ઊભા કર્યા છે કે તસવીરમાં રહસ્યમયી ત્રીજો હાથ કોનો છે? દિલ્હી ભાજપના પ્રવક્તા તજિંદર પાલ સિંહ બગ્ગાએ ટ્વીટ કરીને કહ્યું : "આ તસવીરમાં ત્રીજો હાથ કોનો છે? મેં તમને ગઈકાલે કહ્યું હતું કે કોઈ સારી PR એજન્સીની નિમણૂક કરો."
એબીપી ન્યૂઝના પત્રકાર વિકાસ ભદૌરિયાએ પણ ટ્વીટ કર્યું હતું, "તમે @Rahul Gandhiની આ એક તસવીરમાં તેમના 3 હાથ શોધી શકો છો? જો ના, તો બીજી તસવીર જુઓ. આ ત્રીજો હાથ કોનો છે?"
આ તસવીર કૉંગ્રેસ દ્વારા NYAY (ન્યૂનતમ આવક યોજના) સ્કીમના વિજ્ઞાપન માટે વાપરવામાં આવી હતી. આ એક મોટી તસવીરનો ભાગ છે, જેમાં બૅકગ્રાઉન્ડમાં બીજા પણ ઘણા લોકો જોઈ શકાય છે. વિજ્ઞાપનમાં વપરાયેલી તસવીરમાં બૅકગ્રાઉન્ડને બ્લર કરી દેવામાં આવ્યું છે. આ તસવીર પાર્ટીના સત્તાવાર ટ્વિટર હૅન્ડલ પર પણ વાપરવામાં આવી છે કે જેની મદદથી ગરીબી હટાઓ સ્કીમને પ્રમોટ કરવામાં આવી છે.
કૉંગ્રેસ પાર્ટીએ વર્ષ 2015માં એકસાથે ઘણી તસવીર ટ્વિટર પર પોસ્ટ કરી હતી. તે દરમિયાન રાહુલ ગાંધીએ તામિલનાડુ અને પૉંડીચેરીના પુરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. NYAY સ્કીમ માટે તસવીર વાપરતા પહેલાં કૉંગ્રેસ દ્વારા તસવીરમાં બૅકગ્રાઉન્ડ બ્લર કરી દેવાયું છે પણ એક વ્યક્તિનો હાથ તસવીરમાંથી કાપ્યો નથી. અમારી તપાસમાં જાણવા મળ્યું કે ફોટોગ્રાફમાં ત્રીજો હાથ છે પરંતુ તે કૉંગ્રેસ પાર્ટીના કોઈ કાર્યકર્તાનો હાથ છે.