રાહુલ ગાંધી બે દિવસ ગુજરાતમાં સંમેલન અને સંવાદ બેઠકો યોજશે
શનિવાર, 19 મે 2018 (12:56 IST)
કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી જૂન મહિનાના છેલ્લા સપ્તાહે સંભવત: ગુજરાતની બે દિવસની મુલાકાતે આવવાના છે. ગુજરાત કૉંગ્રેસે આપેલા આમંત્રણનો રાહુલે હમણાં જ સ્વીકાર કર્યો છે. બે દિવસની આ ગુજરાત મુલાકાતમાં ખેડૂતોના સંમેલન તેમજ ચાર અલગ અલગ સંવાદ બેઠકો રાહુલ ગાંધી સાથે યોજાય તે માટેનું આયોજન પ્રદેશ કૉંગ્રેસ દ્વારા હાથ ધરાયું હોવાનું જાણવા મળે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી લોકસભા ચૂંટણીને લઈ કૉંગ્રેસે જૂથવાદ વચ્ચે તૈયારીઓ આરંભી છે. કાર્યકરો અને આગેવાનોમાં ઉત્સાહનો સંચાર થાય તે માટે રાહુલની મુલાકાતનો તખ્તો ગોઠવાયો છે.
યુવા મતદારો સાથે વાર્તાલાપ આગામી 2019ની લોકસભા ચૂંટણીમાં પહેલી વાર મતદાન કરનારા યુવા મતદારોનું કૉંગ્રેસ દ્વારા 21મી મે ના રોજ સન્માન કરાશે. રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે યોજાનારા આ કાર્યક્રમમાં અમદાવાદમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી આનંદ શર્મા હાજરી આપશે અને યુવાઓ સાથે વાર્તાલાપ કરશે. રાજ્યના અન્ય મહાનગરોમાં પણ આ રીતના કાર્યક્રમો યોજાશે. દરમિયાન ગુજરાત કૉંગ્રેસ દ્વારા નવું સંગઠન રચવા માટેની કવાયત તેજ થઈ છે ત્યારે 8 મહાનગરોમાંથી 6 મહાનગરોના પ્રમુખ બદલવામાં આવશે. સુરત, વડોદરામાં હાલ પૂરતા પ્રમુખ બદલાય તેવી શક્યતા ઓછી છે. મોટે ભાગે શહેર પ્રમુખ 50 વર્ષથી ઓછી વયના હશે. યુવાઓને વધુ પડતું મહત્ત્વ આપવાના કારણે કૉંગ્રેસના જૂના જોગીઓમાં નારાજગી જોવા મળી રહી છે અને આગામી સમયમાં તેઓ સંગઠન સામે બંડ પોકારે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. આ સ્થિતિમાં કૉંગ્રેસનું હાલનું સંગઠન ખાડે ગયું છે. જૂના નેતાઓ કપાવાના છે એમ માની તેમણે કામ કરવાનું બંધ કરી દીધું છે તો યુવા ચહેરા જવાબદારી સોંપાય તે પછી કામ કરવા તૈયાર છે.