રાજકોટમાં બાઇક પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે યુવકને છરીના બે ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો

બુધવાર, 30 માર્ચ 2022 (10:16 IST)
રાજકોટમાં નજીવી બાબતે હત્યાનો વધુ એક બનાવ બન્યો હતો, કોઠારિયા રોડ પર રણુજા મંદિર પાસે ફ્રૂટ લેવા ગયેલા યુવકને બાઇક દૂર પાર્ક કરવાનું કહી બે આરોપીએ છરીના બે ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો, પોલીસે એકને ઝડપી લીધો હતો જ્યારે નાસી છૂટેલા એકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી

કોઠારિયા રોડ પરની શ્રમજીવી સોસાયટીમાં રહેતો પરાક્રમસિંહ ઘનુભા પઢિયાર (ઉ.વ.22) મંગળવારે રાત્રે 8.15 વાગ્યાના અરસામાં પોતાનું બાઇક લઇને રણુજા મંદિર નજીક લારીએ ફ્રૂટ લેવા ગયો હતો, લારી નજીક જઇ પરાક્રમસિંહે પોતાનું બાઇક પાર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે ત્યાં ઊભેલા બે શખ્સે તેને દૂર બાઇક પાર્ક કરવાનું કહ્યું હતું, જગ્યા હોવા છતાં બાઇક પાર્ક કરવાની શા માટે ના કહો છો તેમ યુવકે કહેતા બંને શખ્સ ઉશ્કેરાયા હતા અને ગાળો ભાંડવા લાગ્યા હતા.નજીવી બાબતે શરૂ થયેલી બોલાચાલીમાં બંને શખ્સ ઉશ્કેરાયા હતા અને પરાક્રમસિંહ પર છરીથી હુમલો કરી દીધો હતો, અને યુવકને છરીના બે ઘા ઝીંકી દીધા હતા. સમીસાંજે સરાજાહેર યુવકને છરીના ઘા ઝીંકાતા લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા. હિચકારા હુમલાથી પરાક્રમસિંહ પઢિયાર લોહિયાળ હાલતમાં ઢળી પડ્યો હતો, અને લોકોએ તેને હોસ્પિટલમાં ખસેડ્યો હતો પરંતુ યુવકનું મોત નીપજ્યું હતું.હત્યા કરી બંને શખ્સ નાસી ગયા હતા. બનાવની જાણ થતાં આજી ડેમ પોલીસ સ્ટેશનના પીઆઇ ચાવડા અને ક્રાઇમ બ્રાંચ સહિતની ટીમ હરકતમાં આવી હતી. પોલીસે કિશન ટાંક નામના શખ્સને ઝડપી લીધો હતો જ્યારે તેનો સાથીદાર નાસી છૂટ્યો હોય તેના પરિવારજનોની પૂછપરછ શરૂ કરી હતી. ફ્રૂટ લેવા ગયેલા યુવાન પુત્રની હત્યા થયાની જાણ થતાં પઢિયાર પરિવારે કરેલા આક્રંદથી ગમગીની છવાઇ ગઇ હતી.શહેરના હિંગળાજનગરમાં ગત તા.27ની રાત્રે પ્રૌઢને તેના જ યુવાન પુત્રએ મોતને ઘાટ ઉતારી દીધા હતા. વજુભાઇ ચોટલિયા (ઉ.વ.60)એ તેના પુત્ર રવિ પાસે પૈસા માગતાં રવિએ તમે પૈસા વાપરો છો, મારા લગ્નનું કંઇ કરતા નથી તેમ કહી પિતાને ઢીકાપાટુનો માર મારી તેમનું માથું દીવાલ સાથે અથડાવી મોતને ઘાટ ઉતારી દીધા હતા, આ ઘટના હજુ તાજી જ છે ત્યાં તા.29ની રાત્રે રણુજા મંદિર પાસે બાઇક પાર્ક કરવાના મુદ્દે પરાક્રમસિંહ પઢિયાર નામના યુવકની છરીના બે ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી.રાજકોટ શહેર પોલીસ દ્વારા સઘન ચેકિંગના દાવા કરવામાં આવી રહ્યા છે, વાહન ચેકિંગ, તેમજ શહેરભરમાં શકમંદોની તલાશી કરવામાં આવતી હોવાના અને ગુનેગારો પર ધાક જમાવવામાં આવી રહ્યાની વાતો કરવામાં આવી રહી છે પરંતુ વાસ્તવિક્તા કંઇક અલગ જ છે. બે શખ્સ કોઇ કારણ વગર છરી સાથે રણુજા મંદિર પાસે ઊભા હતા ન તો તેને કોઇનો ભય હતો કે તેની એવી પણ ચિંતા નહોતી કે હથિયાર સાથે નીકળશે તો પોલીસ પકડી લેશે, આ બાબત પોલીસ માટે પડકારજનક અને શહેરીજનો માટે ચિંતાજનક છે. ત્યારે પોલીસે આ અંગે નક્કર પગલા લેવા જોઇએ.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર