કોરોનામાં અર્થતંત્ર ખોલવાથી મૃત્યુની સંખ્યા વધશે એ વાત નાગરિકોએ સ્વીકારવી પડશે - ટ્રમ્પ

શુક્રવાર, 8 મે 2020 (13:02 IST)
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે અમેરિકામાં અર્થતંત્રને ફરી શરૂ કરવાની દિશામાં રણનીતિ બનાવી રહ્યા છે. જોકે અમેરિકામાં વધતા કોરોના સંક્રમણને લઈને હજી ચિંતાનો માહોલ છે.
 
બુધવારે તેમણે માન્યું કે લૉકડાઉન હઠાવી લેવાથી કોરોના સંક્રમણને કારણે થનાર મૃત્યુ વધે તેની શક્યતા છે પરંતુ તેમણે કહ્યું કે "આશા રાખીએ કે આવું ન થાય."
 
તેમણે કહ્યું કે કોરોના વાઇરસ સામે લડત માટે બનાવવામાં આવેલ ટાસ્ક ફોર્સ અર્થતંત્રને ફરી શરૂ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
 
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે કોરોના વાઇરસ ટાસ્ક ફોર્સ અનિશ્ચિત કાળ સુધી પોતાનું કામ ચાલુ રાખશે. જોકે એક દિવસ પહેલા જ ટ્રમ્પે આ ટાસ્ક ફોર્સ વિશે કહ્યું હતું કે તેનું કામ જલદી પૂર્ણ થઈ જશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ ટાસ્કફોર્ટ પર એ કહીને પ્રશ્ન ઉઠાવ્યા હતા કે 'આ ટાસ્ક ફોર્સ અસલમાં કેટલી લોકપ્રિય છે.'
 
ડોનાલ્ડ ટ્રમ્પે એક અમરિકન ટીવી ચૅનલ સાથે વાત કરતા કહ્યું, "આપણે દેશને વર્ષો સુધી બંધ ન રાખી શકીએ. આપણે યોદ્ધાઓની જેમ વિચારવું પડશે અને નાગરિકોએ એ વાતને સ્વીકારવી કરવી પડશે કે અર્થતંત્ર ખોલવાથી મોતની સંખ્યા વધશે."
 
જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટી પ્રમાણે અમેરિકામાં કોરોના સંક્રમણના 12 લાખથી વધારે કેસોની પુષ્ટિ થઈ છે અને 73 હજાર કરતા વધારે મૃત્યુ થયા છે.
 
અમેરિકામાં કોરોના સંક્રમણને કારણે લાદવામાં આવેલા નિયંત્રણને લીધે કરોડો લોકો ઘરે બેસી રહેવા મજબૂર થયા હતા અને ત્રણ કરોડથી વધારે લોકોએ બેરોજગારી ભત્તા માટે અરજીઓ કરી છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર