વિશ્વના બે સૌથી શક્તિશાળી દેશો રોગચાળાના કોરોના વાયરસને લઈને સામ-સામે છે. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે અમેરિકન રાષ્ટ્રપતિ સતત ચીનને ખુલ્લેઆમ પડકાર આપી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારોને જણાવ્યું હતું કે ચીન કોરોના વાયરસના ફેલાતા રોકી શકતુ હતુ. અમે તપાસ કરી રહ્યા છીએ અને તમને યોગ્ય સમયે જણાવીશું.
ચીન પર હુમલો કરતા અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે એવી ઘણા પ્રકાર છે જેના દ્વારા તમે તેમને જવાબદાર ઠેરવી શકો છો. અમે ખૂબ ગંભીર તપાસ કરી રહ્યા છીએ, જેમ કે તમે જાણો છો, અને અમે ચીનથી ખુશ નથી. ડોનાલ્ડ ટ્રમ્પે વધુમાં કહ્યું કે અમે આખી પરિસ્થિતિથી ખુશ નથી, કારણ કે અમારું માનવું છે કે કોરોના વાયરસને ફેલાતા રોકી શકાયો હોત. તે સમગ્ર વિશ્વમાં ફેલાયો ન હોત.
તેમણે કહ્યું કે અમે ગંભીર તપાસ કરી રહ્યા છીએ અને તમને યોગ્ય સમયે જણાવીશું. ટ્રમ્પે કહ્યું કે અમારા દેશમાં ઘણાં બિનજરૂરી મોત થયા છે. તેને રોકી શકાયા હોત. આજે આખું વિશ્વ કોરોનાથી પીડાઈ રહ્યું છે. ઓછામાં ઓછા 184 દેશો કોરોનાની ચપેટમાં આવ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે, ચીનથી ઉત્પન્ન કોરોના વાયરસ રોગચાળાને લઇને બંને દેશોના નેતાઓ વચ્ચે ઘણા આરોપ-પ્રત્યારોપ થઈ રહ્યા છે.
અમેરિકા તે અંગે શંકા વ્યક્ત કરી રહ્યુ છે કે ક્યાક આ વાઇરસ ચીનની કોઈ લેબમાંથી તો બહાર નથી આવ્યો. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઘણી વાર તેને 'ચાઇનીઝ વાયરસ' કહ્યુ છે. ચીનના વુહાનથી ફેલાયેલા વાયરસથી અમેરિકામાં સૌથી વધુ વિનાશ સર્જાયો છે. યુ.એસ. માં, 9,87,467 લોકો સંક્રમિત થયા છે અને 56 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.
ચીને દુનિયાથી ઘણું છુપાવ્યું
યુએસના વિદેશ સચિવ માઇક પોમ્પિયોએ તાજેતરમાં જ ડ્રેગન પર નિશાન સાધતા કહ્યું હતું કે ચીને વિશ્વથી ઘણું છુપાવ્યું છે, દરેકને સત્ય જાણવાનો અધિકાર છે. સત્ય હજી પણ મોટા પ્રમાણમાં છુપાયેલું છે અને ચીનમાં હજી પણ આ પ્રકારની પ્રયોગશાળાઓ ચાલુ છે, જેના કારણે કોરોના વાયરસની શરૂઆત થઈ.