શહેરમાં રવિવારે નવા 178 કેસ નોંધાયા હતા અને 19ના મોત થયા હતા. એક જ દિવસમાં આટલા મોતની આ પહેલી ઘટના છે. કુલ મૃત્યુઆંક 105એ પહોંચી ગયો છે. જ્યારે 25 દર્દી સાજા થયા છે. આમ કુલ 2181 પોઝિટિવ કેસ અને મૃત્યુઆંક 105 થયો છે. કોરોના અંગે શહેરની સ્થિતિ અંગે અપડેટ આપતા મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે, એસવીપીમાં 642 એક્ટિવ કેસ અને 150 શંકાસ્પદ છે. આમ SVPની ક્ષમતા લગભગ પૂર્ણ થઈ ગઈ છે. હવે નવા દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ 22837 ટેસ્ટ થયા છે, અને આ આંકડો સતત વધી રહ્યો છે. ટેસ્ટિંગ મામલે આપણે સારામાં સારી સ્થિતિમાં છીએ અને દિલ્હી કરતા ત્રણ ગણા ટેસ્ટ કરીએ છીએ. મ્યુનિસિપલ કમિશનરે આગળ કહ્યું કે, ત્રણ મે સુધીમાં સારુ પરિણામ આવશે. મોં અને નાક બંધ રાખવાની આદત કેળવવી પડશે. હાલ ઈન્ફેક્શન દરમાં ઘટાડો થયો છે અને હેન્ડ વોશ, સેનેટાઈઝર તથા માસ્ક જીવનનું અભિન્ન અંગ બની ગયા છે. જાહેરમાં થૂંકવાની કુટેવ સંપૂર્ણપણે છોડવી જોઈએ. લોકડાઉન બાદ પણ માસ્ક પહેરવું જરૂરી છે. જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ટુ વ્હીલર પર એક વ્યક્તિ અને 4 વ્હીલરમાં બે વ્યક્તિ જ નીકળે. દુકાનદારોએ પણ સેનેટાઈઝરનો ઉપયોગ આગળ પણ ચાલુ રાખવો પડશે. આજે સવારે 11 વાગ્યા સુધીમાં શહેરમાં 1854 એક્ટિવ કેસ છે, જેમાંથી 43 વેન્ટીલેટર પર અને 1811 સ્ટેબલ છે. એસવીપીમાં 642 એક્ટિવ કેસ, 150 શંકાસ્પદ, કેપિસીટી પૂર્ણ થવા આવી છે જ્યારે સિવિલમાં 547, સમરસમાં 591 એચસીજીમાં 14, સ્ટર્લિંગમાં 16 તેમજ હજ હાઉસ અને અન્ય કોવિડ સેન્ટરમાં કુલ 1854 દર્દીઓ દાખલ છે. હું બદરુદ્દીન શેખના નિધન પર શોક વ્યક્ત કરું છું. તેમજ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા ડિસ્ચાર્જ થયા છે. તેઓ પ્લાઝમા ડોનેટ કરવાના છે અને હું તેમના આ નિર્ણયને આવકારું છું.